દુનિયાના 9 લાખથી વધુ લોકોનો કોરોનાએ ભોગ લીધો, કુલ આંક 2.76 કરોડ થયો

નવીદિલ્હી: ભારત જ નહીં પણ આખી દુનિયામાં કોરોના વિદાય લેવાનો નામ જ નથી લેતો તેવી રીતે લગભગ દરેક દેશમાં તેની રફ્તારમાં વધારો થઈ જોવા મળી રહ્યો છે. આ ભીષણ ઝડપને પગલે કોરોનાએ અત્યાર સુધીમાં વિશ્ર્વના નવ લાખથી વધુ લોકોના જીવ લઈ લીધા છે તો 2.76 કરોડથી વધુ લોકોને કોરોનાગ્રસ્ત કરી દીધા છે.જોન્સ હોપક્ધિસ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તેણે જાહેર કરેલા આંકડા અનુસાર દુનિયાભરમાં અત્યાર સુધીમાં 9,00,079 લોકોના મોત કોરોનાને કારણે થઈ ચૂક્યા છે જ્યારે 2.76 કરોડથી વધુ લોકો તેની ઝપટમાં આવી ગયા છે. કોરોનાને કારણે સૌથી વધુ મોત અમેરિકામાં નોંધાઈ છે. અહીં અત્યાર સુધીમાં 1,90,649 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 63,56,310 લોકો અહીં કોરોનાનો સામનો કરી રહ્યા છે. અમેરિકા બાદ બ્રાઝીલની હાલત પણ એટલી જ ખરાબ છે. અહીં 1,27,464 લોકોના જીવ કોરોનાની ઝપટે ચડી જવાને કારણે થયા છે. જ્યારે ત્રીજા સ્થાને ભારત છે. અહીં 73,890 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ કેસમાં ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે. પહેલાં બ્રાઝીલ આ સ્થાન ઉપર હતુ પરંતુ 43 લાખથી વધુ કેસો સાથે બીજું સ્થાન ભારતે મેળવી લીધું છે. આ ઉપરાંત મેક્સિકો, બ્રિટન, ઈટાલી, ફ્રાન્સ સહિતના દેશોમાં પણ મોતનો આંક 30 હજારને પાર કરી ગયો છે.