નાગેશ્વર કોલોની નજીક થી મોટરમાંથી ઈંગ્લીશ શરાબની ૨૭૬ બોટલ જપ્ત


જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાંથી ગઈકાલે પોલીસે એક મોટરમાં લઈ જવાતી શરાબની ૨૭૬ બોટલ ઝડપી પાડી છે. આ જથ્થા સાથે ગંભીર પ્રકારના આઠ ગુન્હામાં સંડોવાયેલો અને હાલમાં હત્યાના ગુન્હામાં પેરોલ પર છુટેલો ઈસમ પકડાઈ ગયો છે. પોલીસે તેને રિમાન્ડ પર લેવા તપાસ હાથ ધરી છે.
જામનગરના નાગેશ્વર વિસ્તારમાં એક મોટરમાં અંગ્રેજી શરાબની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી ગઈકાલે પેટ્રોલીંગમાં રહેલા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ તથા હરદીપ બારડને મળતા તેઓએ પીઆઈ વાય.બી. રાણાને વાકેફ કર્યા પછી પીએસઆઈ કે.વી. ચૌધરીના વડપણ હેઠળ નાગેશ્વર કોલોની વિસ્તારમાં વોચ ગોઠવી હતી.
તે દરમ્યાન જીજે-૧૦-બીઆર-૫૪૧૩ નંબરની સ્વીફ્ટ મોટર પસાર થતા પોલીસે તેને રોકાવી તલાસી લેતા તેમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની ૧૮૦ બોટલ તથા રોયલ ચેલેન્જ બ્રાન્ડની ૯૬ બોટલ મળી કુલ ૨૭૬ બોટલ મળી આવી હતી. ઉપરોક્ત આરોપી સામે વર્ષ-૨૦૧૩થી ૨૦૧૯ સુધીમાં હત્યા, હુમલો, રાયોટીંગ, હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં આઠ ગુન્હા નોંધાયા છે. છેલ્લે તેની સામે વર્ષ-૨૦૧૭માં એક યુવાનની હત્યાનો ગુન્હો નોંધાયો હતો. તેમાં ધરપકડ પામ્યા પછી હિતલો વાંગો જામનગરની જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહ્યો છે. તે ગુન્હામાં હાલમાં પેરલો મેળવી આ શખ્સ બહાર આવ્યા પછી ગઈકાલે અંગ્રેજી શરાબના જથ્થા સાથે ઝડપાઈ ગયો છે. પોલીસે રૃા. ૧,૩૮,૦૦૦ની કિંમતનો શરાબનો જથ્થો, રૃા. ૩,૦૦,૦૦૦ની મોટર કબજે લીધી છે. આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી છે. કાર્યવાહીમાં સ્ટાફના રાજેશ વેગડ, રવિરાજસિંહ, જયપાલસિંહ, હિતેન્દ્રસિંહ, કિશોર પરમાર, અમીત ગઢવી, ધર્મેન્દ્રસિંહ, યુવરાજસિંહ, રઘુભા પરમાર વિગેરે સાથે રહ્યા હતાં.