ખોટું રેકર્ડ કોર્ટમાં રજૂ કરવા બાબતે ASI સામે PSIની કરાઇ ફરિયાદ


મળતી માહિતી મુજબ: મહેસાણા: મહેસાણાના લાંઘણજ પોલીસ મથકમાં દારૂના ગુનામાં ઝડપાયેલું વાહન આરોપીને પરત મળી જાય તેવા ઈરાદાથી એએસઆઈએ મુદ્દામાલ અભિપ્રાયમાં પીએસઆઈની ખોટી સહી કરી ખોટું રેકર્ડ ઊભું કરી ન્યાયિક પ્રક્રિયામાં રજૂ કરવા બાબતે પીએસઆઈએ એએસઆઈ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસબેડા સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પીએસઆઈ બી.એમ.પટેલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર , વિજાપુર તાલુકાના વસઈનો ઠાકોર રણજીતજી અરજણજી તા.૨૭-૨-૨૦૨૦ના રોજ પોતાના જીજે-૨-બીએફ-૩૬૬૬ નંબરના મોબાઈલ પર થેલામાં ૩૦ લિટર દેશી દારૂ સાથે ઝડપાયો હતો. આ બાબતે મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં તા.૨૭-૨-૨૦૨૦ના ફરિયાદ દાખલ કરાતા એએસઆઈ મયુરસિંહ દોલતસિંહને કાર્યવાહી સોંપાઈ હતી. એએસઆઈ મયુરસિંહે ગુનાના કામે બાઈક કબજે લઈ મુદ્દામાલ પાવતી ફાડી હતી.
આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. બાદમાં તા.૪-૭-૨૦૨૦ના રોજ ચાર્જશીટ કમિટ કરાઈ હતી. ત્યાર પછી શખ્સોએ બાઈક પરત મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી તા.૨૭-૮-૨૦૨૦ના રોજ લાંઘણજ પોલીસ મથકે આવતાં તપાસકર્તા અધિકારી એએસઆઈ મયુરસિંહે બાઈક પરત સોંપવા અંગે મુદ્દામાલ અભિપ્રાય તૈયાર કરી લાંઘણજ પોલીસ સ્ટેશન મારફત મહેસાણા કોર્ટમાં મોકલી આપ્યો હતો. જેમાં પીએસઆઈ લાંઘણજ તરીકે મળતી ભળતી ખોટી સહી કરાઈ હતી. જે અંગે પીએસઆઈ બી.એમ.પટેલની ફરિયાદના આધારે લાંઘણજ પોલીસ મથકે ASI મયુરસિંહ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઇ હતી.