કપાયાની કેવડી નદીમાંથી ખનીજ તસ્કરી: બે વાહનો સાથે એક ઝડપાયો

(મુન્દ્રા) તાલુકાના મોટા કપાયા ગામની સીમમાં કેવડી નદીમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર એલસીબીએ છાપો મારતા સ્થાનિક પોલીસ ઉંઘતી પકડાઈ હતી. રોયલ્ટી વગરની 10 ટન રેતી, એક લોડર અને એક ડમ્બર મળી 7.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમની સ્થળ પરથી અટકાયત કરી મુંદરા પોલીસ સ્ટેશને સુપ્રત કરાયા હતા.

સુત્રોઓ દ્વારા મળતી માહિતી મુજબ, મુંદરા તાલુકાના મોટા કપાયા ગામની સીમમાં કેવડી નદીમાંથી રેતી ચોરી થતી હોવાની બાતમી આધારે એલસીબીએ દરોડો પાડતા એક ડમ્પરમાં 10 ટન જેટલી રેતી ભરેલી હતી, એક લોડર મળી આવ્યું હતું. ડ્રાઇવર રવી હીરજી મહેશ્વરી (રહે. સોનાવાડી વિસ્તાર, મુન્દ્રા)વાળાની અટકાયત કરી ડમ્પર નંબર જીજે 06 વીવી 5554 (કિંમત 5 લાખ) અને રજીસ્ટ્રેશન વગરનું લોડર (કિંમત અઢી લાખ) અને 10 ટન રેતી કિંમત 2400 મળી કુલ 7,52,000નો મુદ્દામાલ જપ્ત કરી મુંદરા પોલીસને સોંપયો કર્યો હતો.