ગાંધીધામ સંકુલમાં ડેંગ્યુ-મેલેરિયાની બીમારીઓ વધતાં લોકોને ચિંતા

(ગાંધીધામ) હવે ફરી પાછી ડેન્ગ્યુ- મેલેરિયાની બીમારીઓ વધતાં લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.  શહેર સંકુલમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે તમામ ગલી-મહોલ્લામાં ઘણા દિવસોથી ભરાયેલાં પાણીમાં મચ્છરોએ ઈંડા મૂકી વસાહત ઊભી કરી લેતાં હવે કોરોના સંક્રમણની સાથે સાથે ડેંગ્યુ અને મેલેરિયાના રોગચાળાનો ભય ફેલાયો  છે. ચાલુ ચોમાસામાં મેઘરાજાએ કચ્છ ઉપર વધુ હેત વરસાવતાં પડેલા વરસાદે નદી-નાળાં તો છલકાવ્યા છે, પરંતુ આ ઠંડી લાગીને તાવ આવવાના કેસો ખાનગી તબીબો પાસે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર અત્યારે કોરોના સંક્રમણમાં જ વ્યસ્ત હોવાથી ડેંગ્યુ-મેલેરિયાના કેસો તરફ કોઈનું ધ્યાન જતું નથી. ક્યાંક કોઈ દવા છંટકાવ કે બળેલું ઓઈલ નાખવા જેવી કામગીરી નહીં થતાં ઘણા વિસ્તારોમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ થઈ પડયો છે. આમ પણ સેનિટેશન વિભાગની કામગીરી મહદ્અંશે કોન્ટ્રેક્ટ ઉપર આપી દેવાઈ છે પરંતુ તેમાં દવા છંટકાવ સમાવિષ્ટ નથી. માત્ર કોઈ મોટા અધિકારી કે નેતા પધારવાના હોય કે કોઈ મોટા માણસના ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે સાફસફાઈ અને દવા છંટકાવ નજરે પડે છે. ગાંધીધામ સંકુલમાં આમ નાગરિકો માટે કોઈ ખાસ કાળજી લેવાતી હોય તેવું જાણમાં નથી. કાયમ પાલિકાનો મેલેરિયા વિભાગ ચોક્કસ વિસ્તારમાં કામગીરી કરી તેના ફોટા, અહેવાલ મોકલી દે છે, પરંતુ ક્યારેય મુખ્ય અધિકારી સુદ્ધાં જાતે કોઈ વિસ્તારમાં નિરીક્ષણ કરતા નથી કે તેમને એવો સમય મળતો નથી પરિણામે તમામ વહીવટ લોકોના આરોગ્યને ભોગે કાગળ ઉપર ચલાવાતો હોવાનો ગંભીર આક્ષેપ બુદ્ધિજીવીઓ કરી રહ્યા છે.