મોરબીના બરવાળા રેલવે સ્ટેશન નજીક બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મૃત્યુ નીપજયું

મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ બરવાળા ગામના રેલ્વે સ્ટેશન નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રક ચાલકે રોડની સાઈડમાં કોઈપણ આગળ પાછળ સિગ્નલ મૂક્યા વિના ટ્રક પાર્ક કરેલ હોય જે ન દેખાતા બાઇક ચાલક યુવાનને પોતાનું બાઈક ટ્રકની પાછળ ભટકાવી દેતા યુવાનના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી યુવાનનું મોત થયું હતું.

ઉપરોક્ત બનાવ સંદર્ભે મોટાભેલા તા. માળીયા (મિં) ના રહેવાસી રતિલાલ છગનભાઈ અંબાસણા જાતે કોળી (ઉંમર 47) એ ટાટા કંપનીના ટ્રક નંબર જીજે 12 બીટી 5974 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે, ઉપરોક્ત નંબરના ટ્રક ચાલકે રોડની ઉપર તેનો ટ્રક પાર્ક કરીને ટ્રકની આગળ પાછળ કોઈ રિફલેક્ટર,સાઇડ લાઇટ કે અન્ય કોઈ આડસ સિગ્નલ મૂક્યા ન હતા

જેથી કરીને અંધારામાં તેમના દીકરા વિશાલને ટ્રક ન દેખાતા તેનું બાઈક ટ્રકના પાછળના ભાગે અથડાયુ હતું જેથી વિશાલનું મોત નીપજયું હતું બનાવ સંદર્ભે રતિભાઈની ફરિયાદ ઉપરથી તાલુકા પોલીસ મથકના જે.બી.ઝાલાએ આગળની તપાસ શરૂ કરી છે.