ફોરચ્યુનર કારમાં છરી અને લાકડીઓ સાથે ચાર લોકોને ખાવડા પોલીસે ઝપટે લીધા, 84 હજાર પણ જપ્ત કર્યા


કોડકીના પટેલ ઈસમની માલિકીની 30 લાખની કિંમતની નંબર પ્લેટ વગરની ટોયોટા ફોરચ્યુનર કારમાં 2 છરી અને બે લાકડી જેવા હથિયારો મળી આવ્યા હતા. સાથે ગુનો કરવાના ઈરાદે ભુજથી ખાવડા તરફ જતાં ચાર ઇસમોને સતર્ક ખાવડા પોલીસે ઝડપી લીધા હતા. ચાર પૈકી 1 ઈસમ પાસેથી પોલીસને 83 હજાર રૂપિયાની રોકડ રકમ પણ મળી હતી. ચાર લોકો ઘાતક હથિયારો સાથે ગાડી લઈને ગુનો કરવાના ઈરાદે નીકળ્યાં હોવાની ખાવડા પોલીસને બાતમી મળી. જેથી અઢી વાગ્યાના આસપાસ પોલીસે સરગુ પાટીયા પાસે રોડ બ્લોક કરી ભીરંડિયારાથી ખાવડા તરફ જતી આ કારને અટકાવી હતી. ત્યારબાદ કારમાં બેઠેલાં હસનશા મકબુલશા સૈયદ (ઉ.વ.23 રહે. મુસ્લિમ ચોકડી મોટા પીર ચાર રસ્તા ભુજ)ને બહાર બોલાવી તપાસ કરતાં તેના કબ્જામાંથી એક છરી મળી આવી હતી. ડ્રાઈવર સીટ પાછળ બેઠેલાં રમજાન મામદ ગગડા (ઉ.વ.19 શેખ ફળિયું, દાદુપીર રોડ ભુજ) અને સદ્દામ સાધક સમા (ઉ.વ.18 મુસ્તફાનગર, સરપટનાકા બહાર ભુજ)ને બહાર બોલાવી તેમની સીટ નીચે તપાસ કરતાં બે લાકડી મળી આવી હતી. પોલીસે દાઉદ સનાને પૂછતાં કાર ભુજના કોડકી ગામના જાદવજી કુંવરજી પટેલ નામના શખ્સની હોવાનું અને પોતે સંબંધીને મળવા જતા હોવાનું જણાવ્યું હતું. ચારે આરોપીઓ પાસેથી પોલીસે 13 હજારની કિંમતના ચાર મોબાઈલ ફોન, કુલ 84 હજાર 640ની રોકડ રકમ 30 લાખની કાર બે છરી અને બે લાકડી વગેરે મળી 30.97 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કાર્યવાહી ખાવડા પીએસઆઈ યુવરાજસિંહ જાડેજાએ હાથ ધરી છે.