IPLની મેચ પર વેબસાઈટ ઉપર સટ્ટો રમતા ત્રણની અટક

(ભુજ) ઈન્ડિયન પ્રિમિયર લીગ શરૂ થઈ જતા સટ્ટોડિયાઓ પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. ત્યારે ભુજના સ્ટેશન રોડ પરથી પોલીસે IPLની મેચ પર સટ્ટો રમતા અને રમાડતા ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા. આરઆર સેલની ટીમે બાતમીના આધારે ધોંસ બોલાવીને સટ્ટો પકડી પાડ્યો હતો.મળતી માહિતી અનુસાર સોમવારે IPLની સનરાઈઝ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. હતો. જેમાં આરોપી બાદલભાઈ પરસોત્તમભાઈ ઠક્કર (ઉ.વ.૪૧) (રહે. હાઉસીંગ બોર્ડ સોસાયટી, રઘુવંશીનગર ભુજ), પરેશભાઈ નરભેરામ વડોર (ઉ.વ.પ૦) (રહે. હિંગલાજ ચોક, જયેષ્ઠાનગર, ભુજ) અને જગદીશ દયાલજી પરમાર (ઉ.વ.૪ર) (રહે. સી/૯૮૯ મુંદરા રિલોકેશન સાઈટ ભુજ)ની ધરપકડ કરાઈ હતી. આરોપીઓ સ્ટેશન રોડ પર કિષ્ના ચેમ્બર્સ બિલ્ડીંગના ત્રીજા માળે ઓફિસ નં. ૩૦૩માં સટ્ટો રમતા હતા. આરઆરસેલની ટીમે બાતમીને પગલે છાપો મારી  ઇસમોના કબ્જામાંથી ટીવી, સેટટોપ બોક્સ, ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રૂા.૧૧,ર૬૦ મળીને કુલ ૩૭,૪૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટ્રર કરાવીને આરઆર સેલના પીએસઆઈ પી.કે. ઝાલાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.