હડપ્પન વસાહત કૃષિપ્રધાન હોવાના અણસાર

કચ્છ એ હડપ્પન સંસ્કૃતિનો અને પુરાતત્વીઓ માટે શોધનો ખજાના સમાન છે અને હવે નવી શોધમાં એવું બહાર આવ્યું છે કે, લગભગ 4000 વર્ષ પહેલાં હડપ્પન સંસ્કૃતિ કૃષિપ્રધાન હતી અને લોકો પશુપાલન પણ કરતા હતા તેમજ દૂધની ડેરી પણ હતી. ન માત્ર સંશોધકો માટે પરંતુ સામાન્ય લોકો માટે પણ એક ગૂઢ રહસ્યના ઉકેલસમું તારણ આવ્યું છે કે, હડપ્પન વસાહતમાં કૃષિ પ્રવૃત્તિ જોશભેર થતી હતી તથા દૂધની ડેરી હતી. કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલી કોટડા ભડલી પુરાતત્ત્વીય સાઇટ પર વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા થયેલાં સંશોધનમાં આવાં તારણ મળ્યાં છે કે ઇ.સ. પૂર્વે 2300થી 1950 એટલે કે લગભગ 4000 વર્ષ પહેલાંની આ વસાહતમાં શોધકર્તાઓને માટીના ઘડા, ઠીકરાં, વાસણોના ટુકડા મળી આવ્યા છે. `નેચર’ નામના વિશ્વપ્રસિદ્ધ જર્નલમાં ટોર્નેટો યુનિવર્સિટીના કલ્યાણ શેખર ચક્રવર્તી, હિથર એમ.એસ. મિસર, હેમિલ્ટન યુનિવર્સિટીના ગ્રેગ એફ. સ્લેટર પૂણે સ્થિત ડી.સી.પી.આર.આઇ. ના પ્રબોધ શિરવાલકર અને વરિષ્ઠ પુરાતત્ત્વવિદ યદુબીરસિંહ રાવતનું સંશોધન પ્રસિદ્ધ થયું છે. આ સંશોધકોએ 2010થી 2013ની વચ્ચે મળેલા અવશેષોનું વિશ્લેષણ કર્યું હતું. ગુજરાત આર્કિયોલોજી વિભાગના પૂર્વ ડાયરેક્ટર રાવતે કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કચ્છમાં ધોળાવીરાથી કાનમેર અને ખીરસરાથી દેશલપર સુધી હડપ્પન સાઇટ પથરાયેલી છે. જેમાં આ પ્રાચીન સંસ્કૃતિના વિવિધ રંગ જોવામાં આવે છે. કોટડા ભડલી એ 4000 વર્ષ પહેલાંની ખેતીપ્રધાન વ્યવસ્થાની ઝાંખી કરાવે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આ સભ્યતાના લોકો નિયમિત દૂધ પીતા હતા. જેના વાસણો, માટીના ટુકડાના” અવશેષો બહાર આવ્યા છે.માંસ માટે ઘેટાં-બકરાંનો ઉપયોગ થતો હતો. ગાય-ભેંસનો પણ એ વખતે ઉપયોગ થતો હોવાનું બહાર આવે છે. હાડકાંના અભ્યાસ પરથી એવું જણાય છે કે દૂધાળાં પશુઓનો સી-4 આહાર હતો. જેમ કે બાજરી. જે નિર્દેશ આપે છે કે પશુઓનો ઉછેર દૂધ તેમજ કૃષિ પ્રવૃત્તિ માટે થતો હતો. એ કૃષિ અર્થતંત્રનો ઉદ્ભવ હોવાનું સમજી શકાય. પશુપાલકો ન માત્ર પાલન કરતા પણ દૂધ ઉત્પાદન, માંસ ઉત્પાદન, ઉપરાંત ચામડાંનો વ્યાપાર પણ થતો હોવાનું માની શકાય છે.

ખાસ સૂત્રો મારફતે