તહેવારો દરમ્યાન ભીડના કારણે પોલીસ દ્વારા કરાયું જાગૃતિ અભિયાન

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો હજી બાકી છે. તહેવાર આવતાંની સાથે જ દિવાળીના તહેવારની ખરીદી માટે ભદ્ર બજારમાં ધીરે ધીરે ખરીદીનો માહોલ શરૂ થયો છે. જોકે આ વર્ષે કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું જરૂરી છે જેથી કારંજ પોલીસ દ્વારા ભદ્ર બજારમાં ખરીદી કરવા આવતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને લોકો માસ્ક પહેરે તેના માટેના પ્રયાસ શરૂ કર્યા છે. પોલીસ દ્વારા પાથરણાની આગળ સોશિયલ ડિસ્ટન્સ માટે કુંડાળા કરાવ્યા છે તેમજ લોકોને ફ્રીમાં માસ્ક પણ આપ્યા હતા.

કારંજ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.વી. તડવીએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે તહેવાર દરમ્યાન ખરીદી માટે ભદ્ર બજારમાં ભીડ થતી હોય છે. આ વર્ષે કોરોના મહામારીમાં કેન્દ્ર અને રાજય સરકારની ગાઈડલાઈનનું લોકો પાલન કરે અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરે તેના માટે C-ટીમ દ્વારા અને પોલીસ દ્વારા લોકો અને વેપારીઓને ફ્રીમાં માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લાઉડસ્પીકર અને પોલીસ સ્ટેશનની ગાડીઓ દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સની જાળવણી થાય તેના માટે પૂરતાં પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. લોકોને અપીલ છે કે ખરીદી કરવા આવે ત્યારે ફરજિયાત માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેના માટે પોસ્ટર પણ લગાડ્યા છે.
-મળતી માહિતી અનુસાર