નાના કપાયામાં 23,930ની રોકડ સાથે 7 જુગારીની ધરપકડ

મુન્દ્રા જાણે ક્રાઇમ ઘર બની રહ્યું હોય તેવું ભાત થઈ રહ્યું છે ત્યારે મુંદરાથી તદ્દન નજીક ચાર કિમીને અંતરે આવેલા નાના કપાયા મુકામેથી સ્થાનિક પોલીસે નવલા નોરતામાં ગંજીપાનાનો જુગાર રમતા સાત ખેલીઓને 23,930ની રોકડ અને 25,000 રૂપિયાના કિંમતના પાંચ મોબાઈલ સમેત દબોચી લઇ કુલ્લ 48930નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત અહેવાલ મુજબ શુક્રવારે સવારે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પેટ્રોલીંગમાં રહેલા મુન્દ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફે મળેલ ખાનગી માહિતીના આધારે નાના કપાયા ગામ બહાર આવેલી સેફાયર હોટલના પાછળના ભાગની બાવળની ઝાડીઓમાં રેડ મારી હતી ત્યારે ગંજીપાનાનો જુગાર રમતા સંજય કરતારસિંગ મહાવર (ઉ.વ.18), રાહુલકુમાર શ્રીરામ અહેરવાલ (ઉ.વ.25), સતુલકુમાર શ્રીચંદ્રપાલસિંગ અહેરવાલ(ઉ.વ.27), વિવેક ગનીલાલ અહેરવાલ (ઉ.વ.20), ચંદ્રપ્રકાશ રકશી અહેરવાલ (ઉ.વ.30), પ્રદ્યુમ્ન રવિ શર્મા (ઉ.વ.21), પ્રશાંત ચંદ્રપાલસિંગ આહેરવાલ (ઉ.વ.26 રહે સર્વે નાના કપાયા)નામક સાત પરપ્રાંતીયોને ગંજીપાના રમતા આબાદ ઝડપી લીધા હતા. ઉપરોક્ત કામગીરીમાં ASI ચેતન પરમાર, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ચુડાસમા, શક્તિસિંહ ગોહિલ, મુકેશ ભાડકા, જયપાલસિંહ જાડેજા, દર્શન રાવલ સહિતનો સ્ટાફ જોડાયો હતો. અને બધાની ધરપકડ હાથ ધરી હતી.
-સૂત્રો અનુસાર