Dy મામલતદાર પત્ની સાથેના અંગત વીડિયો પતિએ વાયરલ કરી દીધા, પત્નીની પતિ વિરુદ્ધ ફરિયાદ
શહેરના એક સેક્ટરમાં રહેતી અને સરકારી ખાતામાં નાયબ મામલતદાર તરીકે નોકરી કરતી યુવતીના પતિ સાથેના અંગત પળોના વીડિયો વાયરલ થયા હતા. આ વીડિયો યુવતીના પતિએ જ વાયરલ કર્યો હોવાથી તેની સામે સે-7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

પાટનગરમાં બનેલી આ ચકચારી ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે યુવતીના લગ્ન 2008માં થયા હતા. પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે જ્યારે યુવતી નાયબ મામલતદાર તરીકે સરકારી નોકરી કરતી હોવાનુ બહાર આવ્યુ છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં તેણે કરેલા આક્ષેપ પ્રમાણે તેનો પતિ વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો અને જો ન આપે તો ખોટી-ખોટી ધમકીઓ આપતો હતો. તેના જણાવ્યા મુજબ તેના પતિને તે સરકારી નોકરી કરતી હોવાથી તેને ઈર્ષ્યા થતી હતી, જેના કારણે તે તેને પરેશાન કરતો હતો. યુવતીએ પૈસા આપવાનું બંધ કરી દેતા પતિએ અગાઉ ઉતારેલા અંગતપળોના વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.ધમકીને વશ ન થતાં યુવતીના પતિએ અઠવાડિયા પહેલાં જ તે યુવતીના સંબંધીઓ અને મિત્રોને આ વીડિયો મોકલી દીધા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામા આવ્યો છે. એટલું જ નહીં પતિએ પત્નીના નામે ફેસબુક પર આઈડી બનાવીને પણ પત્નીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનુ પણ બહાર આવતા આ મામલે ચકચાર મચી જવા પામી છે.
જોકે આ સમગ્ર મુદ્દે એક મિત્ર મારફતે યુવતીને જાણ થતાં તેણે પતિને આ અંગે પૂછતાં તેણે સંબંધીઓને પણ વીડિયો મોકલ્યા હોવાનું કહ્યું હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી હતી. સમગ્ર ઘટનાને પગલે પતિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થયા બાદ યુવતીએ પતિ સામે સે-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પતિ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
-માહિતી પ્રમાણે