ભુજ નગરપાલિકાની બેદરકારી કહો કે, શહેરનું હૃદય હમીરસર તળાવ પ્રત્યેની ઉપેક્ષા…..?


ભુજના હ્રદય સમાન હમીરસર તળાવમાં એક બાજુ ગટરના ગંદા પાણી ગંધાઈ રહ્યા છે અને બીજી બાજુ કિનારે ઉગી નીકળેલી વનસ્પતિ ધીરે ધીરે આગળને આગળ ફેલાઇ રહી છ, જેના તરફ ભુજ નગરપાલિકાએ ધ્યાન આપવાનું જ બંધ કરી દીધું છે. ભુજ નગરપાલિકામાં પાણી, ગટર, સફાઈ સહિતની વિવિધ કામગીરી માટે વિવિધ શાખાઓ છે, જેમાં કાયમી પૂર્ણકાલિન કર્મચારીઓ કરતા રોજમદાર અને ફિક્સ વેતનથી કામ કરનારાઓની ફોજ છે. જેના કારણે ભુજ નગરપાલિકા ઉપર પગાર ખર્ચનો ભારણ પણ વધી ગયું છે. પરંતુ, વધુ પડતા મહેકમ ખર્ચ છતાં કામગીરીમાં કોઈ સુધારો નથી થયો તથા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા જાળવવા નિષ્ફળ શહેરની ગટર વ્યવસ્થા પણ જાળવી શકી નથી. જેનો ઉદાહરણ હમીરસર તળાવ છે, જેમાં ગટરના ગંદા પાણી ગંધાઈ રહ્યા છે. સેનિટેશન શાખા તો છેલ્લા કેટલા મહિનાથી બિલકુલ રામ ભરોસે મૂકાઈ ગઈ છે તેમજ જાહેર માર્ગો અને તળાવની સાફ સફાઈ પણ થતી નથી . જાહેર માર્ગો ઉપર તો ઠીક હવે તળાવમાં પણ ઝાડી કટિંગની કામગીરી પડતી મૂકી દેવાઈ છે, જેથી હમીરસર તળાવમાં પણ દેશલસર તળાવની જેમ વનસ્પતિ ફેલાઈ રહી છે. બીજી બાજુ પદાધિકારીઓ શહેરની વિવિધ પ્રતિમાઓને હારારોપણ કરવામાં મસ્ત પડ્યા છે.જ્યારે જે જગ્યાએ જે વસ્તુની સુધરાઈની જરૂર છે ત્યાં માત્ર નામની કામગીરીની વાત થાય છે.
-માહિતી અનુસાર