આડેસર ચેકપોસ્ટ પાસેથી 6.84 લાખનો મુદ્દેમાલ સાથે એક વ્યક્તિ જબ્બે

હાલમાં મળતી બાતમીના આધારે તેમજ પેટ્રોલીંગ દરમ્યાન કેટલાક બૂટલેગરોની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે રાપર તાલુકાની આડેસર ચેકપોસ્ટ પાસે સ્થાનિક પોલીસે વોચ ગોઠવી કારમાં લઇ અવાયેલા 1.73 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 1 આરોપીને દબોચી લઇ મોકલાવનાર અને મગાવનાર ચાર વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

સૂત્રો અનુસાર આડેસરના PSI વાય.કે.ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, IGP જે.આર.મોથાલિયા, પૂર્વ કચ્છ SP મયુર પાટીલ અને ભચાઉ વિભાગના DYSP કે.જી.ઝાલાની સૂચના મુજબ આડેસર ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન GJ -01-BX -8628 નંબરની મેક્સ પીક અપ ગાડી તપાસતાં તેમાંથી ગાડીમાંથી રૂ.1,73,360 ની કિંમતના વિદેશી દારૂની 407 બોટલ મળી આવતાં પોલીસે બનાસકાંઠાના ચાળવાના રામા ખોડાભાઇ રોટાતર (ભીલ) ની અટક કરી આ દારૂનો જથ્થો મોકલાવનાર બનાસકાંઠાના લવાણાના રાજેન્દ્રગીરી ઉર્ફે બકાભાઇ જયરામગીરી સ્વામી ઉર્ફે બાપજી, તેજાભાઇ પચાણભાઇ વાઘેલા અને આ દારૂનો જથ્થો મગાવનાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી મેક્સ પીકઅપ ગાડી અને મોબાઇલ સહિત કુલ રૂ. 6,84,360 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરીમાં PSI ગોહિલ સાથે હેડકોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા, ધ્રુવદેવસિંહ ઝાલા, કોન્સ્ટેબલ બલભદ્રસિંહ જાડેજા, દલસંગજી ડાભી, મહેન્દ્રસિંહ સોલંકી, દિલીપભાઇ પરમાર, ભરતજી ઠાકોર, ગાંડાભાઇ ચૌધરી અને હકુમતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

-સૂત્રો અનુસાર