કુખ્યાત જયેશ પટેલના પત્નીએ નોંધાવી ધમકીની વળતી ફરિયાદ

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સામે ધમકીની અનેક ફરિયાદો નોંધાઈ ચુકી છે, ત્યારે જામનગરના સીટી A-ડીવીઝન પોલીસ મથકમાં ઉલટી ફરિયાદ નોંધાવાઈ છે. ભૂ-માફિયાના પત્નીએ પોતાના ઘરે આવીને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી ગયો હોવાની વળતી ફરિયાદ નોંધાવી છે.

સૂત્રો અનુસાર જામનગરના કુખ્યાત ભૂ-માફિયા જયસુખ મૂળજીભાઈ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ કે જેની સામે ખંડણી, ધાક-ધમકી સહિતની અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે, પરંતુ હાલ સરદાર પટેલ નગર ધનેશ્વર રેસીડેન્સી ચોથા માળે રહેતા તેના પત્ની ધૃતિબેન જયસુખ રાણપરીયાએ પોતાને ધાક-ધમકી આપવા અંગેની ધર્મેન્દ્ર માડમ નામના શખ્સ સામે સીટી A-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ગત 27મી તારીખે રાત્રીના 8:00 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ઊભા હતા, જે દરમિયાન ઘરના દરવાજા પાસે ધર્મેન્દ્ર માડમ નામનો એક શખ્સ આવીને ઊભો રહ્યો હતો, અને તમે તમારા પ્રેસમાં આડેધડ વિગતો છાપો છો, તે બંધ કરી દેજો તેમ કહી ગાળા-ગાળી કરી હતી. અને પ્રેસ બંધ કરાવી દેવાની ધમકી આપી, ધૃતિબેન તથા તેમના સસરા મૂળજીભાઈ રાણપરીયાને પતાવી દેવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધર્યું છે.

-માહિતી અનુસાર