મુંબઇ ઇન્ડિયન્સ પહોંચી છઠ્ઠીવાર ફાઇનલની રેસમાં

આઈપીએલ-2020 હવે પોતાના અંતિમ તબક્કામાં છે ત્યારે આઇપીએલની ક્વોલિફાયર તબક્કાની પહેલી મેચમાં આજે મુંબઇ ઇન્ડિયન્સે એકતરફી મુકાબલામાં દિલ્હી કેપિટલને 57 રને હાર આપીને છઠ્ઠીવાર ફાઇનલમાં પ્રવેશ પાકો કર્યો હતો. દિલ્હી વતી લડાયક રમત બતાવતા એકમાત્ર સ્ટોયનીસએ 46 બોલમાં 65 રન કર્યા હતા, પરંતુ તેનો પ્રયાસ એળે ગયો હતો. હારેલી ટીમ દિલ્હી હવે ક્વોલિફાયર-2 ની મેચ રમશે. દિલ્હી દ્વારા ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરાતાં દાવમાં આવેલી મુંબઇએ 20 ઓવરમાં પાંચ વિકેટે 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો . જવાબમાં દિલ્હીની ટીમ આઠ વિકેટે 143 રન સુધી જ સીમિત રહી હતી. 201 રનના વિજય લક્ષ્ય સામે દિલ્હીની શરૂઆત જ અત્યંત કંગાળ થઇ હતી. પહેલી ઓવરમાં માત્ર શૂન્ય રને જ તેના બે ઓપનરો પૃથ્વી શો, શિખર ધવન તેમજ અજિંક્ય રહાણે પેવેલિયન ભેગા થઇ ગયા હતા. એ પછી દાવમાં આવેલો કપ્તાન શ્રેયસ ઐયર પણ 8 દડામાં 12 રન કરી આઉટ થઇ ગયો હતો. પંત 3 રન કરી આઉટ થયો હતો. આ પહેલાં, બિગ હિટર હાર્દિક પંડયા અને યુવા સનસની ઇશાન કિશનની ડેથ ઓવરોમાં પાવર બેટિંગથી આઇપીએલના કવોલિફાયર-1 મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરના અંતે પ વિકેટે 200 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. ઇશાન કિશન 30 દડામાં 4 ચોગ્ગા અને 3 છગ્ગથી અણનમ પપ રને અને હાર્દિક પંડયાએ માત્ર 14 દડામાં પ છગ્ગાથી આતશી અણનમ 37 રન કર્યાં હતા. બન્ને વચ્ચે ફકત 23 દડામાં 60 રનની ભાગીદારીને લીધે દિલ્હીના બોલરોની ધોલાઇ થઇ હતી. હાર્દિક-કિશનની જોડીએ આખરી પાંચ ઓવરમાં સ્ટ્રોકફુલ બેટિંગ કરીને 78 અને આખરી ત્રણ ઓવરમાં તો રનનો ધોધ વહાવીને પપ રનનો ઉમેરો કરીને મુંબઇને 200 રને પહોંચાડયું હતું. આથી દિલ્હીએ જો ફાઇનલમાં જવું હશે તો 201 રન કરવા પડશે. દિલ્હીએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. મુંબઇનો સુકાની રોહિત શર્મા ઝીરોમાં અશ્વિનના દડામાં એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. આ પછી બે ઇનફોર્મ બેટ્સમેન ડિ’કોક અને સૂર્યકુમાર વચ્ચે બીજી વિકેટમાં 84 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. ડિ’કોક 2પ દડામાં પ ચોગગા-1 છગગાથી 40 અને સૂર્યકુમાર શાનદાર અર્ધસદી કરીને 38 દડામાં 6 ચોગ્ગા-2 છગ્ગાથી પ1 રને આઉટ થયા હતા. પોલાર્ડ પણ રોહિતની જેમ ઝીરોમાં પાછો ફર્યો હતો. કુણાલે 13 રન કર્યા હતા. દિલ્હી તરફથી અશ્વિને 29 રનમાં 3 વિકેટ લીધી હતી.