દિવાળીના દિવસોમાં જરૂરતમંદોમાં વહેચવા માટે મીઠાઇ તથા ફરસાણ બનાવવાની કરાઇ શરૂઆત

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા દાતા શશિકાંતભાઇ ખીમજીભાઇ મોરબિયા, માંડવી હાલે ભુજવાળાના સહયોગથી દીવાળીના તહેવારો દરમિયાન ભુજ-માંડવી-રાપર વિસ્તારના જરૂરતમંદોને વિતરણ કરવા માટે મિષ્ટાન્ન-નમકિન બનાવવાના વર્કશોપનો ભુજમાં આરંભ કરાયો હતો.પ્રમુખ વી. જી. મહેતા, પ્રોજેક્ટ ચેરમેન દિનેશ શાહ તથા હિરેન દોશીના જણાવ્યા પ્રમાણે છેલ્લા 10 વર્ષ થયા સંસ્થાના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી દર વર્ષે 1000 જેટલા દિવ્યાંગ, વ્યસ્કો, નિરાધારો અને 500 જેટલા રંક પરિવારોમાં મીઠાઇ-ફરસાણ-વત્રો આદિનું વિતરણ કરી તેમની સાથે દીવાલીની ઉજવણી કરાય છે. આ વર્ષે પણ જરૂરતમંદો, રંક પરિવારો તેમજ 15 જેટલી વિવિધ સંસ્થાઓ વચ્ચે જઇ દીપોત્સવી પર્વ ઊજવવાનું સંસ્થાએ નક્કી કર્યું છે. પ્રથમ ચરણમાં 200 કિલો દેશી ઘીની મીઠાઇ અને 100 કિલો નમકિન બનાવવામાં આવશે. જેનું તહેવાર પહેલાં 2000 જેટલા જરૂરતમંદો તથા 15 જેટલી સંસ્થાઓનાં દ્વારે જઇને નિ:શુલ્ક વિતરણ કરાશે. તેમજ જરૂરિયાત પ્રમાણે આવનારા સમયગાળા માં વધારે પ્રમાણમાં મીઠાઇ -ફરસાણ બનાવાશે. આ અવસરે સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાની રાહબરી હેઠળ ભુજના જૈન અગ્રણી ચમનલાલ મહેતા, પ્રદીપ દોશી, વિજય મહેતા, રાજેશ સંઘવી, બાબુભાઇ બિશ્નોઇ વિ. ઉપસ્થિત રહ્યા હતા, તેવું શાંતિલાલ મોતા દ્વારા જણાવાયુ હતું .