નગરપાલિકાની કરવેરા શાખા દ્વારા લેણા ભરપાઇ ન થવાના કારણે સુધરાઈની જ બે દુકાનોને સીલ મારી દેવાઇ

કચ્છ જિલ્લાના પાટનગર ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચે શુક્રવારે ઈન્દિરાબાઈ હાઈસ્કૂલ સામે સુધરાઈની જ દુકાનો સામે વેરા વસુલાતની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સાવિત્રીબેન અમૃતલાલ ભાવાણીના નામે બોલતી દુકાન નંબર 9 અને 10 પાસેથી એક દુકાન દીઠ 1.20 લાખ મળી કુલ 2.40 લાખ રૂપિયાની ભરપાઇ  ન કરાતા ઉમા મોબાઈલ સર્વિસની બંને દુકાનો સીલ કરાઇ હતી. શોપ ઈન્સ્પેકટર હિતેન્દ્રસિંહ જાડેજા એ બાદ હોસ્પિટલ રોડ ઉપર હેમંત રાજારામ પાસેથી 1.60 લાખ રૂપિયા વસુલાત માટે ગયા હતા. પરંતુ, મિલકતધારકે 60 હજાર રૂપિયા રોકડા ભરી દીધા હતા, જેથી સીલ ખોલી દેવામાં આવ્યું  હતું. જોકે, આટલી કાર્યવાહી માટે વોટર સપ્લાય બ્રાન્ચના ઈજનેર ભાવિક ઠક્કર, રોડ લાઈટ બ્રાન્ચના ઈજનેર શુભમ્ ગોસ્વામી સહિતનાએ  મોઢે માસ્ક પહેરીને  નીકળ્યા હતા, જેથી લોકોએ રમુજ કરી હતી કે, ભુજ નગરપાલિકાના કર્મચારીઓ જાણે બહારવટે નીકળ્યા છે. જે દુકાન બંધ હશે એ દુકાન પર બહારવટિયાની સ્ટાઈલથી નોટિસ ચીપકાવશે અને ત્યારબાદ બીજે ત્રીજે દિવસે ધાડ પાડશે. તો કેટલાકે એમ પણ કહી વ્યથા ઠાલવી હતી કે, વગદારો અને ભલામણવાળાને બક્ષી દેવાય છે. બાકીના ઉપર જ જોર જુલ્મ થાય છે. વાસ્તવમાં સરકારી કચેરીઓ ઉપર લાખો કરોડ રૂપિયાના બાકી લેણા નીકળે છે. પરંતુ, એમના સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર વેપારી વર્ગ ઉપર જ કોરોનાની માર બાદ તહેવારો ટાંકણે જોર જુલમ થાય છે. જે વાજબી નથી.એવું જાણવા મળી આવ્યું હતું.

-મળતી માહિતી