ગળપાદર રોડ પર લાગી વાહનોની લાંબી કતારો

વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે ત્યારે વધુ એક રસ્તો ગાંધીધામ નજીક આવેલો ગળપાદર રોડ વધુ એક વાર ટ્રાફિકની ભીડના કારણે જામ થઈ ગયો હતો. ચાર કલાક સુધી બન્ને તરફ વાહનોની કતારો લાગી ગઇ હતી. સતત ભારે વાહનોના ધસારાના કારણે ધમધમતા આ રોડ પર નેશનલ હાઈવે ઓથોરીટીના વર્ષોથી અધુરા પડેલા કામોથી વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે. અગાઉ કેટલીય વાર તો ગંભીર અકસ્માતો થઈ ચુક્યા છે, જેમાં મહામુલા માનવ જીવન લોકોએ ગુમાવવાનો વારો આવ્યો છે, કંટાળીને ગ્રામજનોએ રોડ એક નહિ, પણ બે વાર ચક્કાજામ કર્યો તો બન્ને સમય તેમને બાહેંધરીઓ આપી દેવાઈ હતી. પરંતુ પરિસ્થિતિ જેમ ની તેમ જ હોય એમ ભાસી રહી છે. શુક્રવારના સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી નેશનલ હાઈવેથી શરૂ કરીને ગળપાદર હાઈવે અને ત્યારથી અંજાર સુધી જતા માર્ગ સુધી ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ચારેક કલાક રહેલા જામથી ભારે વાહનો અને તે વચ્ચે સ્ટાફ બસો, એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો અને કાર જેવા વાહનો ફસડાઈ પડ્યા હતા. બંન્ને તરફ કિલોમીટરો લાંબી કતાર થઈ હોવાનું દ્દશ્યમાન થતું હતું. સ્થાનિકો દ્વારા જણાવાયુ હતું કે” આ પરિસ્થિતિ પાછળ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા પુરા કરવામાં ન આવેલા કામો જવાબદાર છે. જે અંગે આ અંગે અગાઉ ઠાલા આશ્વાસનો પણ ગ્રામજનો અને પોલીસને અપાઈ ચુક્યા છે. તો પોલીસ સહિતના ઉચ્ચ અધિકારી સ્થળ નિરીક્ષણ કરીને સમાધાન પણ સુચવી ચુક્યા છે. હાઈવેનો મુખ્ય રોડ અને સર્વિસ રોડનું કામ વર્ષોથી બાકી છે. જે અગાઉ જે એજન્સીનું હતું, તેણે વચ્ચેથીજ પડતું મુકી દીધું હતું. ટ્રાફિક જામ અંગે લોકોએ સ્થાનિક ટ્રાફિક પોલીસને જાણ કરી તો તેમણે ગાંધીધામ એ ડિવિઝન પોલીસને જાણ કરી હોવાનું કહ્યું હતું” , પરંતુ મોડે સુધી પોલીસ ડોકાઈ નહતી. ઉલ્લેખનીય છે કે, આ સમસ્યાનો અંત લાવવા માટે અવારનવાર લોકો તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરે છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી, જેથી સમસ્યાનો હલ ક્યારે આવશે તે કહી શકાય તેમ નથી. હાઈવે પર ધસમસતા વાહનોના પ્રવાહમાં રાત્રીના અકસ્માતોની સંભાવના પ્રબળ બની જાય છે ત્યારે તેમાંજ રોડનું કામ અધુરુ પડ્યું હોય કે કામ ચાલુ હોય ત્યારે ત્યાં પ્રકાશ અને સુરક્ષા માનકો રાખવાની વિશેષ જરૂરિયાત રહે છે. પરંતુ બીએસએફ કેમ્પના દ્વાર પાસે હાઈવે પર છેલ્લા લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટ પણ બંધ છે. તેવું પણ જાણવા મળી રહ્યું છે.