પુષ્યનક્ષત્રને લઈને ગાંધીધામની સોની બજારમાં દેખાઈ ગ્રાહકોની ચહલ પહલ

કોરોનાની મહામારીને કારણે પૂરા વિશ્વમાં મંદીનો માર સહન કરવો પડ્યો છે. જ્યારે કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં પુષ્યનક્ષત્રને લઈને સોનાં-ચાંદીની દુકાનોમાં ગ્રાહકોની હાજરી જોવા મળી હતી. વેપારીવર્ગ દ્વારા ખરીદીના શુકન સચવાયાં હોવાનું જાણવામાં આવ્યું હતું. સામાન્ય રીતે’ પુષ્યનક્ષત્રમાં સોનાં-ચાંદીના દાગીના તથા અન્ય વસ્તુઓની ખરીદીનો ગ્રાહકોનો એક વર્ગ આગ્રહ રાખતો હોય છે. આ અંતર્ગત ગાંધીધામની મુખ્ય બજારમાં આવેલી ઝવેરી બજાર સ્થિત સોનાં-ચાંદીના શો-રૂમમાં ગ્રાહકોનો સારો ધસારો જોવા મળ્યો હતો. તો કેટલીક દુકાનો ખાલીખમ પણ દેખાઈ આવી હતી. વેપારીવર્ગે જણાવ્યુ હતું કે ” આ વખતે પુષ્યનક્ષત્ર આજે અને આવતીકાલે હોવાને કારણે ગ્રાહકોમાં ભાગ પડયા છે.એટલે બે દિવસ ગ્રાહકોનું આગમન થવાની આશા” વેપારીઑ દ્વારા વ્યકત કરવામાં આવી હતી.આ વખતે શકનનું મુહૂર્ત સચવાયું હોવાનું મનસુખભાઈ કોડરાણીએ જણાવ્યું હતું. અલબત્ત વીતેલાં વર્ષોની સરખામણીએ ગ્રાહકો ઓછા આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. સોની બજારમાં સારા પ્રમાણમાં ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી આવી હતી.