કોરોનાના કેસમાં ફરી થયો વધારો : નવા 20 કેસ ઉમેરાયા

કચ્છમાં કારોનાના કેસમાં વધારો થયેલો દેખાય છે ત્યારે પેટા ચૂંટણીનો રાજકીય ગરમાવો પૂરો થવા સાથે દિવાળીના તહેવાર નજીક આવતાં જ કોરોનાના પોઝિટિવ કેસો ફરી એકવાર ઊંચકાયા છે. જિલ્લામાં આશરે 15 દિવસ કરતાં વધુના સમય બાદ નવા 20 કેસ નોંધાતાં જિલ્લાના કુલ પોઝિટિવ કેસનો આંક 2840 પર પહોંચ્યો છે. 17 દર્દી સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2524 પર પહોંચી છે.આરોગ્ય વિભાગની યાદી મુજબ સર્વાધિક 11 કેસ ભુજ શહેર-તાલુકામાં નોંધાયા છે. શહેરી વિસ્તારમાં 12 અને ગ્રામ્ય વિસ્તારમાં 8 કેસ નોંધાયા છે. છેલ્લે 29મી તારીખે જિલ્લામાં 21 કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી તબક્કાવાર કેસનો આંક વધવા સાથે ઠંડીના થયેલા ચમકારા અને તહેવારની સિઝન સમયે સંક્રમણ વધશે તેવી દર્શાવાયેલી ભીતિ સાચી ઠરતી દેખાઇ રહી છે.ત્રણ દિવસ પૂર્વથી ડબલ આંકમાં કેસ નોંધાવાનું શરૂ થતાં આ વાયરસ હવે કાબૂમાં આવી શકે તેવી સેવાયેલી આશા પર હાલ તુરંત તૂટતી હોય એવું લાગી રહ્યું છે. દિવાળીના તહેવાર સમયે બજારમાં લોકોની ઊમટતી ભારે ભીડમાં સામાજિક અંતર જાળવવાનો છેદ ઊડી રહ્યો છે ત્યારે કેસમાં વધારો થતાં જો હવે લોકો આ મુદ્દે જાગૃતતા નહીં દાખવે તો સ્થિતિ વણસવાની ભીતિ દેખાડાઇ રહી છે.જિલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક 71 નોંધાવા સાથે સક્રિય કેસની સંખ્યા 200ના આંક પર અટકી હતી.એવી માહિતી પણ મળી આવું હતી.