ગૃહમંત્રી અમિત શાહ ધોરડો આવી રાત્રી રોકાણ કરે તેવી શક્યતા

ભારતના ગૃહમંત્રી અમિત શાહ કચ્છ આવી રહ્યા છે . સરહદી વિસ્તાર વિકાસ યોજના હેઠળ ભારત સરકાર તરફથી સરહદી ગામોને અપાતી ગ્રાન્ટનો ભવિષ્યમાં કેવી રીતે ઉપયોગ થાય અને તેના આયોજન માટે ગૃહમંત્રી અમિતભાઇ શાહ કચ્છ આવી રહ્યા છે. 12મીએ ધોરડો ખાતે યોજનારા કાર્યક્રમ અંતર્ગત હવે ગૃહમંત્રી આગલા દિવસે આવીને રાત્રિ રોકાણ કરે તેવી પણ શક્યતા છે. મળતી વિગતો અનુસાર દેશના ગૃહમંત્રી અમિત શાહ તા. 11ના રાત્રે ધોરડો આવી જવાના છે. ખાસ હેલિકોપ્ટર મારફતે તેઓ આવે અને ધોરડોની તંબુ નગરીમાં રાતવાસો કરે તેની તૈયારીઓ પણ ચાલી રહી છે. બીજા દિવસે 12મી નવેમ્બરના સવારથી તેઓ સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજના અંતર્ગત ઊભા કરાયેલા સ્ટોલમાં યોજના નિહાળે અને અમુક પ્રકલ્પને ખુલ્લા પણ મૂકી શકે છે. બાદમાં સવારે 11થી 2 દરમ્યાન કચ્છના 105 મળીને બનાસકાંઠા, પાટણ એમ ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજશે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે તેઓ સંબોધન કરવાના છે અને સરહદી ગામોના વિકાસ માટે મળતાં નાણાં કઇ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે તેના અભિપ્રાય સરપંચો પાસેથી લેશે. બાદમાં તેઓ પોતાના ભાષણમાં બી.એ.ડી.પી.ની યોજના ભવિષ્યમાં કેવી રીતે વિસ્તારી શકાય અને સાચા અર્થમાં નાણાનો ઉપયોગ થાય એ બાબતે સમજ આપશે બાદમાં સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે. બપોરે ધોરડોમાં જ ભોજન લઇને પરત જાય તેવી સંભાવના છે પરંતુ સત્તાવાર રીતે આ બાબતે અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યુ હતું કે, ” હજુ કાર્યક્રમ આવ્યો નથી, પરંતુ અમે તૈયારી કરી રહ્યા છીએ.” એવી માહિતી આપવામાં આવી હતી.