માધાપરની હરીઓમ સોસાયટીમાં એક રાતમાં થઈ ત્રણ મકાનોમાં ચોરીની ઘટના

દિવાળીના તહેવારને હવે ગણતરી ના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે માણસોતો પોતાના કામમાં વ્યસ્ત છે પણ સાથે સાથે તસ્કરોએ પણ પોતાનો કામ ચોરી કરવાનો ચાલુ રાખ્યો હોય તેમ તહેવાર ટાંકણે તસ્કરોએ પણ ઉધામો મચાવ્યો છે.ભુજની નજીક આવેલા માધાપરની ગોકુલધામ સોસાયટીની બાજુમાં આવેલી હરીઓમ સોસાયટીમાં એક જ રાતમાં ત્રણ મકાનોમાં ચોરીનો બનાવ બન્યો છે. બે મકાન માલિક બહાર હોવાથી શું ચોરાયું તે હજુ બહાર આવ્યું નથી ત્યારે મહિલા મકાન માલિકના ઘરમાંથી 20 હજાર રોકડ સહિત 33 હજારની માલમતા ઉઠાવી ગયા અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. મળતી માહિતી અનુસાર માધાપર નવાવાસમાં ગોકુલધામ સોસાયટીની બાજુમાં આવેલી હરીઓમ સોસાયટીમાં રહેતા સીમરન જગરાજસીંગ શીખ પોતાની માતાના ઘરે ગાંધીનગર ગયા હતા ત્યારે તેમના પાડોશી ચીરાગભાઇએ ફોન કરીને જણાવ્યુ કે, ” મકાનનું આગળનો દરવાજાનું તાળુ તૂટેલું છે.” મહિલાએ પરત ઘરે આવીને જોયું તો બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો અને કપડા-સરસામાન વેરવિખેર દેખાયું હતું, તીજોરીમાં રહેલી સોનાની ઇયરીંગ નંગ 2 કિંમત 10 હજાર, ચાંદીની જાજરી નંગ 2 કિંમત 3 હજાર અને રોકડા 20 હજાર રૂપીયા ચોરી થયાનું જણાયું હતું. તો બાજુમાં આવેલા બે મકાનોના પણ તાળા તુટેલા હોવાનું જણાયું હતું જેના મકાન માલિક શીવાજી પુના ગયા છે તો બીજા મકાનમાંથી પણ ચોરી થઇ હોવાનું દેખાઇ રહ્યું છે. જો કે, બંને મકાન માલિક અહીં હાજર ન હોવાથી કેટલી માલમતા ચોરાઇ તે ધ્યાને આવ્યું નથી. મહિલાએ બી-ડિવિઝન પોલીસ મથકે પોતાના ઘરમાંથી 20 હજાર રોકડ સહિત 33 હજારની માલમતા ચોરી જવા અંગે અજાણ્યા આરોપીઓ સામે ફોજદારી નોંધાવી હતી. તહેવાર ટાંકણે જ એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તુટતા આ વિસ્તારમાં ચોરો ની ગેંગ સક્રીય થઇ હોવાનું જણાતા આસપાસના રહેવાસીઓમાં પણ ભય ફેલાયો હતો.