નાના કપાયા ગામે જુગાર રમી રહેલા પાંચ શકુની શિષ્યો પોલીસ દ્વારા પકડાયા

કચ્છ જિલ્લામાં દિવસે ને દિવસે ચોરી,લૂંટફાટ,જુગાર જેવી ગેરકાનૂની પ્રવૃતીઓમા વધારો થઈ રહ્યું છે ત્યારે મુંદરા નગરના પાદરમાં આવેલા નાના કપાયા ગામે જિંદાલ શો કંપનીના બે નંબરના દરવાજા પાસે આવેલી મજૂર વસાહતમાં બાતમીના આધારે સ્થાનિક મુંદરા પોલીસે રેડ પાડીને મૂળ પરપ્રાંતીય એવા પાંચ ખેલીને ગંજીપાના વડે જુગાર રમતા રૂ. 70100ની માલમતા સાથે પકડી પાડયા હતા. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર આ મજૂર વસાહતમાં ઘરો વચ્ચે આવેલી શેરીમાં લાઇટના અજવાળે રમાતો જુગાર આ દરોડામાં ઝપટે ચડયો હતો. જેમાં હાલે નાના કપાયા ગામે રહેતા મૂળ હરિયાણાના શાહુનખાન અબ્દુલ્લખાન ખાન, ઉતરપ્રદેશના શિવકુમાર જયપાલાસિંહ, મઘ્યપ્રદેશના રહિશ રઘુનાથ ગોશ, ઉત્તરપ્રદેશના મોહિત હરિશચન્દ્ર શર્મા અને રાજેશાસિંગ કલ્લુ ચૌહાણને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. દરોડાની કાર્યવાહીમાં પોલીસે આરોપીઓ પાસેથી રૂા. 14600 રોકડા ઉપરાંત રૂા. 15 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન અને રૂા.40 હજારની કિંમતનું જયુપિટર સ્કૂટર મળી કુલ્લ રૂા. 70100ની માલમતા જપ્ત કરી હતી. હેડ કોન્સ્ટેબલ જયપાલાસિંહ જુવાનાસિંહ જાડેજા દ્વારા તહોમતદારો સામે ગુનો દાખલ કરાવામાં આવ્યો હતો.

-મળતી માહિતી