નખત્રાણાના ભડલી ગામે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઇ યુવાનની હત્યા


કચ્છ જિલ્લામાં હાલ મારમારી, હત્યા જેવા બનાવો સામે આવતા હોય છે ત્યારે નખત્રાણા તાલુકાના નાનકડા એવા ભડલી ગામે આજે મોડી સાંજે ગામના 26 વર્ષની વયના હમીદ ઈસ્માઈલ ખલીફા નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાતા ભારે સનસનાટી મચી ગઈ છે.અજાણ્યા અપરાધીઓ દ્વારા કોઈ કારણોસર મનુષ્ય વધના આ કિસ્સાને અપાયેલા અંજામને પગલે જબ્બર દોડમાં પડી ગયેલા કાયદાના રક્ષકોએ સર્વગ્રાહી છાનબીન હાથ ધરી આ ખૂનની કડીઓ શોધવા માટે ની મહેનત શરૂ કરી દીધી છે. લોહિયાળ અને જીવલેણ એવી આ ઘટના વિશે બહાર આવેલી પ્રાથમિક માહિતી અનુસાર યુવાન વયનો હમીદ ખલીફા આજે રાત્રે આઠેક વાગ્યાના સુમારે તેના રહેણાકના મકાનમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ હતભાગી યુવકને તેના ભાઈએ દવાખાને પહોંચાડયો હતો, પરંતુ શરીરમાંથી વધુ લોહી વહી જવાના કારણે અને આંતરિક ઈજાઓના લીધે સારવાર નસીબ થાય તે પહેલાં જ તેણે દમ તોડયો હતો. ઘટનાની જાણ થતાં નખત્રાણાના પોલીસ ઈન્સ્પેક્ટર વી.જી. ભરવાડ સાથેનો કાફલો ભડલી ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચ્યો હતો. તપાસના આરંભના ધમધમાટ વચ્ચે પોલીસ સાધનોએ પ્રાથમિક માહિતી આપતાં કહ્યું હતું કે, ” તીક્ષ્ણ હથિયારના ઘા મારીને અજાણ્યા આરોપીઓ દ્વારા આ ખૂન કેસને અંજામ અપાયો છે. હત્યા કોણે અને શા માટે કરી તેના સહિતની વિગતો સપાટી ઉપર લાવવા માટે નિવેદનો અને પૂછતાછની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ” દરમ્યાન નાનકડા એવા ગામમાં હત્યાની ઘટના બનતાં ગામ સહિત આસપાસના વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે તપાસ અંતર્ગત વિવિધ વિગતો એકત્ર કરીને બનાવનો તાગ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ વચ્ચે મોડેથી મળતી જાણકારી અનુસાર મરનાર યુવક હમીદ માનસિક રીતે પૂર્ણ સ્વસ્થ ન હોવાનું અને ગ્રામજનો તેને શક્તિમાન તરીકે ઓળખતા હોવાનું જાણવા મળ્યું છે. હત્યા કરવા માટે કુહાડીનો ઉપયોગ થયો હોવાની વિગતો પણ સપાટી પર ધીરે-ધીરે આવી રહી છે.
-સૂત્રો અનુસાર મળતી માહિતી