સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી દિલ્હી કેપિટલ્સ પહોંચી ફાઈનલમાં


આઈપીએલ-2020 હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં છે ત્યારે આઈપીએલ સિઝન 13ની રોમાંચક ક્વોલિફાયર-ટુ મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 17 રનથી હરાવી પહેલી વખત ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે . અંતિમ ઓવરોમાં રબાડાએ ઝડપેલી 3 વિકેટથી પલટાયેલી બાજી પર સવાર થઈ દિલ્હી કેપિટલ્સે વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે 10મી નવેમ્બરે ખિતાબ માટે દિલ્હીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. આજની હાર સાથે હૈદરાબાદની આઈપીએલની સફર પૂર્ણ થઈ હતી . ફાઈનલ પ્રવેશના ચકનાચૂર સ્વપ્ન સાથે પૂરી થઈ હતી. આર યા પાર સમી આજની મેચમાં ટોસ જીતીને દાવમાં આવેલી દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટે 189 રન બનાવ્યા હતા જેના જવાબમાં સનરાઈઝર્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન જ બનાવી શકી હતી. આજની મેચમાં એક તબક્કે હૈદરાબાદની ટીમ જીતી શકે તેવી સ્થિતિમાં જણાતી હતી ત્યારે 19મી ઓવરમાં રબાડાએ ત્રણ વિકેટ ખેરવીને બાજી પલટી દિલ્હીને મેચમાં પાછું આવ્યું હતું. સનરાઈઝર્સે સાવધાનીપૂર્વક શરૂઆત કરી હતી, પરંતુ ડેવિડ વોર્નર (2), ગર્ગ (17), મનીષ પાંડે (21), હોલ્ડર (11)ની વિદાયથી ટીમ ડગમગી હતી. વિલિયમ્સને એકલા હાથે બોલરોનો સામનો કરી 45 દડામાં પાંચ ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 67 રન બનાવ્યા હતા. આ પછી 19મી ઓવરમાં સામદ (33), રાશીદ ખાન (11) અને ગોસ્વામી (0)ની વિદાયે વિજયને દૂર સરકાવતાં અંતમાં ટીમ 8 વિકેટે 172 રન જ બનાવી શકી હતી. રબાડાએ સર્વાધિક 4, સ્ટોનીસને 3 અને પટેલને 1 વિકેટ મળી હતી. આ પહેલાં ટોસ જીતીને દાવ લેવાનો અને કાંગારૂ ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસને ઓપનિંગમાં ઉતરાવાનો નોકઆઉટ મેચમાં દિલ્હી કેપિટલ્સનો પ્રયોગ સફળ રહ્યો હતો. ફાઇનલમાં પહોંચવા માટે કરો યા મરો સમાન મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરના અંતે 3 વિકેટે 189 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. દિલ્હી તરફથી અનુભવી ડાબોડી ઓપનર શિખર ધવને પ0 દડામાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાથી આક્રમક 78 રન કર્યાં હતા. તેના અને સ્ટોઇનિસ વચ્ચે પહેલી વિકેટમાં પ0 દડામાં 86 રનની ઝડપી ભાગીદારી નોધાઈ હતી. ઓપનિંગમાં આવેલ સ્ટોઇનિસે 27 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી 38 રન કર્યાં હતા. આ સિવાય સિમરોન હેટમાયરે 22 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 42 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. સુકાની શ્રેયસ અય્યર 21 રને આઉટ થયો હતો. પંત 2 રને નોટઆઉટ રહ્યો હતો. નિર્ણાયક મેચમાં હૈદરાબાદની ફિલ્ડિંગ નબળી રહી હતી. તેના ફિલ્ડરોએ 3 આસાન કેચ છોડયા હતા. સંદિપ શર્મા, હોલ્ડર અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી. જો કે સનરાઇઝર્સનો બોલરો આજના મેચમાં દિશાથી ભટકી ગયા હોય એવું લાગી રહ્યું હતું . આથી દિલ્હીએ 3 વિકેટે 189 રનનો મજબૂત જુમલો ખડક્યો હતો. અને તેની સાથે દિલ્હી કેપિટલ્સે વિજય પ્રાપ્ત કરી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.