ગુજરાતી સાહિત્યમાં પોતાની ભીની છાપ છોડીને જતાં રહ્યા ફાધર વાલેસ

ફાધર વાલેસ (પૂરું અને સાચું નામ કાર્લોસ જી. વાલેસ એસ જે)નું ફાધર હેરેડેરોએ આપેલી માહિતી પ્રમાણે 8મી નવેમ્બર, 2020ના રોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે બે વાગ્યે સ્પેનમાં અવસાન થયું. હજી હમણાં ચોથી નવેમ્બરના રોજ તેમણે 95 વર્ષ પૂરાં કરીને 96મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેઓ થોડા સમય પહેલાં પડી ગયા હતા અને તેમને ઈજા થઈ હતી. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને ગુજરાત અને ગુજરાત બહાર દેશ-વિદેશમાં વસતા લાખો ગુજરાતીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ફાધર વાલેસ ગુજરાત અને ગુજરાતીઓને ખૂબ ચાહતા હતા તો ગુજરાતીઓ પણ તેમને હૃદયથી આદર આપતા હતા. તેમણે 1990માં માતાની સેવા કરવા વતન જવા માટે ગુજરાત છોડ્યું હતું અને માદરે વતન મેડ્રિડ (સ્પેન)માં રહેતા હતા. ફાધર વાલેસે જેમને પોતાનું ‘નાઈન નાઈટ્સ ઈન ઈન્ડિયા’ પુસ્તક કાકાસાહેબ કાલેલકરને અર્પણ કરતા લખ્યું છે કે ઈન મેમરી ઓફ કાકા કાલેલકર, હૂ અન્ડરસ્ટૂડ મી. એટલે કે કાકા કાલેલકરને જેઓ મને સમજી શક્યા હતા.