ગ્રાહકોની હાજરીના અભાવે વિથોણ પંથકની બજારોમાં સૂનકાર
કોરોનાએ પૂરા વિશ્વમાં મંદીનો માહોલ ઊભો કરી દીધો છે ત્યારે દિવાળીના તહેવારને હવે માત્ર અમુક દિવસો જ બાકી રહ્યા હોવા છતાં વિથોણ પંથકમાં હજી જોઇએ એટલા ગ્રાહકો જોવા ન મળતા વેપારીઓ માટે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યા છે. જોકે હવેના આવનારા દિવસોમાં ગ્રાહકો બજારમાં ખરીદી કરવા માટે ઉમેટે તેવી પણ આશા વેપારીઑ દ્વારા સેવાઇ રહી છે . આ અંગે વિથોણ ગામમાં છેલ્લા દસ વર્ષથી કાપડનો વ્યવસાય કરતા અતુલભાઈ સોનીએ કહ્યું હતું કે, ” આ વર્ષે કોરોનાના કારણે નવરાત્રિમાં આર્થિક ફટકો પડ્યો હતો. અને હવે દિવાળીના તહેવારો સાવ નજીક આવી ગયા હોવા છતાં ગ્રાહકોના દર્શન દુર્લભ બન્યા છે.” આસપાસના પંદરેક જેટલા નાના મોટા ગામોનો વિથોણ ગામ સાથે આર્થિક અને વ્યાપારી સંબંધો છે. નાના- મોટા ધાવડા, જિંદાય, દેવસર, ભડલી, થરાવડા,ચાવડકા, દેવપર જેવા ગામોમાંથી ખરીદી કરવા માટે ગ્રાહકો સમયાંતરે આવતા હોય છે. પરંતુ હાલમાં બજારમાં ગ્રાહકોની ચહલ પહલના બદલે માત્ર સૂનકાર ભાસી રહ્યો છે. આવા સંજોગોમાં દિવાળીના તહેવારોમાં છેલ્લા સમયે સારી ઘરાકી નીકળશે તેવી આશાએ માલની ખરીદી કરીને દુકાનમાં માલ ખડકી દીધો છે. ગ્રાહકો આવે અને વ્યાપાર થાય તો દિવાળી સુધરશે. અન્ય એક વેપારી દ્વારા કહેવાયું હતું કે, ” ગ્રામ્ય વિસ્તારના લોકો પહેલાં ખરીદી કરવા આવતા હતા પણ હવે મોટા ભાગે લોકો પાસે પોતાના ખાનગી વાહનની સગવડ હોવાથી નજીકમાં જ આવેલ તાલુકા મથકે ખરીદી કરવા માટે નીકળી જતા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં વેપાર ધંધા ઉપર મોટી અસર પડી છે.” જોકે વેપારીઓએ દિવાળીના આગમન સમયે ગ્રાહકો ખરીદી કરશે તેવા આશાવાદ સાથે દિવાળી સુધરશે તેવું પણ જણાવ્યું હતું.