તહેવારોની સિઝનમાં કચ્છમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક ઊંચકાયો : નવા 20 કેસ


કચ્છમાં ફરી કોરોનાના પોઝિટિવ કેસનો આંક દિવસા દિવસે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે હવે પેટા ચૂંટણી બાદ અને તહેવારોની ખરીદી માટે લોકોની ચહલપહલ વધતાં પોઝિટિવ કેસો વધવાની સંભાવના સાચી ઠરતી હોય તેવું લાગી રહ્યું છે. તહેવાર ઉજવવાના ઉમંગ સાથે જાણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતની સાવચેતી ભૂલાઇ હોય તેમ સોમવારે કચ્છમાં 20 લોકોના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેની સામે ચિંતાજનક રીતે માત્ર 15 લોકો સાજા થતાં એક્ટિવ કેસનો આંક ફરી 200ને પાર ગયો હતો. ઠંડીનો પગપેસારો વધી રહ્યો છે તેને પગલે શરદી, ઉધરસ, તાવ અને સુસ્તીના દર્દીઓનો વધારો થવા સાથે આવા દર્દીઓ રેપિડ એન્ટિજન્સ ટેસ્ટ કરાવવા તરફ વળી રહ્યા છે. આજે સાજા થનારા દર્દીઓનો આંક પણ 15 નો નોંધાયો તેમાં સૌથી વધુ આઠ જિલ્લા મથકના ભુજ ના છે. પોઝિટીવ કેસમાં ઊંચો આંક ધરાવતા ભુજમાં ચાર તો ગાંધીધામમાં પણ ચાર કેસ સાથે શહેરી વિસ્તારમાં 11 અને ગ્રામ્ય વિસ્તારમાં નવ નવા કેસ બહાર આવ્યા છે. સરકારી હોસ્પિટલોમાં 963 અને ખાનગી-ચૂકવણાવાળી હોસ્પિટલોમાં 67 મળી ઉપલબ્ધ પથારીનો આંક 1030 થયો છે. હજુ 201 સક્રિય પોઝિટિવ કેસ છે. અત્યાર સુધીના પોઝિટિવ કુલ્લ કેસ 2875 તો 2557 દર્દી રિકવર થઈ ઘેર પાછા ફર્યા છે. કોરોનાનો મૃત્યુ આંક અત્યાર સુધીનો 71 છે. તેવી માહિતી પણ મળી આવી છે.