અમદાવાદમાં લાગી ફરી આગ, કઠવાડાની કેમિકલ ફેક્ટરીમાં આગ લગતા 10 ફાયર ફાઇટર ઘટનાસ્થળે આવી પહોંચ્યા
પીરાણા કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના હજી તાજી છે ત્યાં શહેરના કઠવાડા-સિંગરવા રોડ પર આવેલા ફોર્ચ્યુન એસ્ટેટમાં આવેલી સ્કાય ઇંક નામની કંપનીમાં આગ લાગી છે. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક ધોરણે આગમાં જાનહાનિના કોઈ અહેવાલ નથી. આગ લાગી હોવાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં 4 નવેમ્બરે બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. આ બ્લાસ્ટની આસપાસના 9 ગોડાઉનને અસર થઈ હતી. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 7 પુરૂષ અને 5 મહિલા સહિત 12નાં મોત થયાં હતાં.