આજના અંતિમ પડાવમાં કોણ જીતશે? જે જીતશે એ બાદશાહ મુંબઇ કે દિલ્હી ?


આઇપીએલ-2020 હવે તેના નિર્ણાયક અને અંતિમ તબક્કા માં છે ત્યારે અત્યાર સુધીની સિઝનમાં આઇપીએલમાં ચાર વખત વિજેતા અને પાંચમીવાર ચેમ્પિયન બનવાના મક્કમ ઇરાદા સાથે મુંબઇ ઇન્ડિયન્સ આવતીકાલ મંગળવારે રમાનાર આઇપીએલ-2020ના ફાઇનલમાં મેદાને પડશે ત્યારે તેનો સામનો ફાઇનલમાં પહેલીવાર જગ્યા બનાવનાર અને આત્મવિશ્વાસથી ભરપૂર દિલ્હી કેપિટલ્સ ટીમ સામે થશે. સ્ટાર ખેલાડીઓથી સજ્જ મુંબઇની ટીમને ફાઇનલની ફેવરિટ માનવામાં આવે છે, પણ દિલ્હી પાસે ઘણા મેચ વિનર્સ છે. કોરોના મહામારી વચ્ચે રોમાંચથી ભરપૂર બાવન દિવસ બાદ હવે આવતીકાલે આઇપીએલનો અંતિમ ખિતાબી મુકાબલો રમાશે. જેમાં મુંબઇના કપ્તાન રોહિત શર્માની નજર સતત બીજા અને કુલ પાંચમા ખિતાબ પર હશે. તો દિલ્હીના યુવા કપ્તાનનો ઇરાદો તેની ટીમને પહેલીવાર ચેમ્પિયન બનાવવાનો રહેશે. પાછલી 12 સિઝનમાં મોટાભાગે તળિયે રહેનાર દિલ્હીની ટીમ આ વખતે ફાઇનલમાં પહોંચી છે. આ વખતે પોઇન્ટ ટેબલ પર એક અને બે નંબરની ટીમ ફાઇનલમાં આમને-સામને હશે. એટલે મુકાબલો રસાકસી નો બની રહેશે તેવું દર્શકો દ્વારા માનવામાં આવી રહયું છે. મુંબઇની ટીમ 1પમાંથી 10 મેચ જીતીને અને દિલ્હીની ટીમ 16માંથી 9 મેચ જીતીને અહીં પહોંચી છે. ટૂર્નામેન્ટની શરૂઆતથી મુંબઇનો દબદબો રહ્યો છે. સિઝન બન્ને ટીમ લીગ અને ક્વોલીફાય સહિત ત્રણ વખત આમને-સામને રહી છે. તમામ વખત મુંબઇને વિજય હાંસલ થયો છે. આ ફેકટર મુંબઇને ફેવરિટ બનાવે છે. મુંબઇના બેટધરોએ કુલ 130 છક્કા લગાવ્યા છે. તો દિલ્હીના નામે 84 છક્કા છે. મુંબઇ માટે કિવટંન ડિ’કોક, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડયા, જસપ્રિત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ જબદરસ્ત ફોર્મમાં છે. સુકાની રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઇજામાંથી બહાર આવી ફરી નેતૃત્વ સંભાળી રહ્યો છે. જો કે વાપસી બાદ તેના બેટમાંથી રન નીકળ્યા નથી. ટીમની સુકાની પાસે ફાઇનલમાં મેચ વિનિંગ ઇનિંગની આશા રહેશે. મુંબઇની બેટિંગ લાઇન અપને ટક્કર આપવા દિલ્હીની ઝડપી બોલિંગ જોડી રબાડા અને નોત્ઝે તૈયાર છે. આ બન્ને અનુક્રમે 29 અને 20 વિકેટ લઇ ચૂકયા છે. દિલ્હીની ટીમને બીજા ક્વોલીફાયર મેચમાં ઇલેવનમાં ફેરફાર ફળ્યા છે. હૈદરાબાદ સામેના વિજયી મેચમાં કાંગારૂ ઓલરાઉન્ડર સ્ટોઇનિસ ઓપનિંગમાં શિખર ધવનની ભાગીદાર બન્યો હતો. આ બન્નેની શતકીય ભાગીદારીને લીધે દિલ્હીને મજબૂત શરૂઆત મળી હતી. જો કે દિલ્હીના મીડલ ઓર્ડર બેટ્સમેનો સુકાની શ્રેયસ અય્યર, ઋષભ પંત અને શિરમોન હેટમાયર હજુ સુધી સરેરાશ પ્રદર્શન કરી શકયા છે.ત્યારે આ મહા મુકાબલાના અંતિમ જંગમાં કોણ વિજેતા થઇ ને જીત પોતાના નામે કરશે તે આજની મેચમાં જાણી શકાશે.