સિંધોડી ચાર રસ્તા પાસે ટેમ્પો વીજળીના પોલ સાથે અથડાતાં ચાલકનું મોત
કચ્છમાં માર્ગ અકસ્માતમાં વધતાં બનાવ ચિંતાનો વિષય છે ત્યારે થતાં અકસ્માતમાં કોઈને કોઈક ને જીવ ગુમાવવો પડતો હોય છે ત્યારે આજે અબડાસામાં સિંધોડી ગામ પાસેના ચાર રસ્તા ખાતે માછલી ભરીને જઇ રહેલો ટેમ્પો માર્ગ ઉપરના વીજળીના થાંભલા સાથે અથડાતાં તેના ચાલક જખૌના પ્રફુલ્લભાઈ મેઘજીભાઈ શાહનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર , જખૌથી માછલીના કેરેટ ભરીને જી. જે. 12-ઝેડ-2986 નંબરનો આ ટેમ્પો લઇને ચાલક પ્રફુલ્લ શાહ તેને વેરાવળ ખાલી કરવા માટે જઇ રહ્યો હતો, ત્યારે વીજળીના થાંભલા સાથે અથડાતાં ગતરાત્રે આ અકસ્માત સર્જાયો હતો. ભોગ બનનારા ચાલકને સારવાર નસીબ થાય પહેલાં જ તેનું પ્રાણ પખેરું ઊડી ગયું હતું . બનાવ બાબતે ટેમ્પોના માલિક અમન ફીશ, જખૌના ઉમર ઇબ્રાહીમ અબડાએ ફરિયાદ લખાવી હતી. જખૌ પોલીસ દ્વારા ગુનાની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-મળતી માહિતી