ભુજનું નુતન સ્વામિનારાયણ મંદિર 11 હજાર ઝગમગતા દીવડાથી ઝળહળી ઉઠશે


દિવાળીના તહેવારને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે સનાતન ધર્મના તમામ ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વિ. સં. 2077ના નૂતનવર્ષને વધાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવશે. જેના અંતર્ગત તા. 13-11, શુક્રવારના ધનતેરસ તથા કાળીચૌદશ સાંજે 8 વાગ્યે મંત્રોચ્ચાર સાથે હનુમાનજીનું પૂજન તથા આરતી થશે. તા. ૧૪-૧૧, શનિવારના દિવાળીના દિવસે મંગળા આરતી વહેલી સવારે ૫:૧૫ વાગ્યે, શણગાર આરતી ૬:૪૫ વાગ્યે થશે. બપોરે ૩ઃ૩૦ વાગ્યે મહંત સ્વામી સ.ગુ.પુ. ધર્મનંદનદાસજી, સ.ગુ. સ્વામી પ્રેમપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત આદિ બ્રહ્મનિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સમુહ ચોપડા પૂજન કરવામાં આવશે. સાંજે 6 વાગ્યે સંતો દ્વારા કથા-સત્સંગ, બ્રહ્મનિષ્ઠવડીલ સંતોના આશીર્વચન તથા સાંજે 6-25 કલાકે સંધ્યાઆરતી બાદ 11000 દિપમાળાઓથી મંદિર ઝળહળી ઉઠશે. જુદા-જુદા પ્રકારના રંગબેરંગી લાઈટ ડેકોરેશન યુવક મંડળના યુવકો તેમજ હરિભક્તો દ્વારા તૈયાર કરાયા છે. 11000 જેટલી સંખ્યામાં ઝગમગતા દિપકોના દર્શન એક સુંદર અને નયનરમ્ય બની રહેશે. તા. 15-11, રવિવારના 9-30થી 5 વાગ્યા સુધી અન્નકૂટદર્શનનો દિવ્ય લાભ હરિભક્તો લઈ શકશે. સમગ્ર ઉત્સવના વિવિધ કાર્યોમાં મંદિરના મહંતસ્વામી, આદિ વડીલ સંતોની સુચનાથી કાર્યકર્તા, સંતો તથા મંદિરના સંતો તથા કચ્છ નરનારાયણદેવ યુવક મંડળના યુવાનો સેવા કરી રહ્યા છે એવું જાણવા મળી આવ્યું છે.