નખત્રાણાના નાના અંગિયામાં બજાર કિંમત કરતાં 30 ટકા ઓછી કિંમતે મીઠાઇનું વેચાણ થશે


કોરોના મહામારીને કારણે લોકોના ધંધા-વેપાર પર માઠી અસર થઈ છે ત્યારે દિવાળીના આડે હવે માત્ર ગણતરીના જ દિવસો છે ત્યારે લોકોમાં ખરીદીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. ત્યારે નખત્રાણા તાલુકાના નાના અંગિયામાં દિવાળીના તહેવારો દરમિયાન ગ્રામવાસીઓને બજાર કિંમત કરતા 30 ટકા જેટલી ઓછી કિમતે મીઠાઈ અને ફરસાણ મળે તે માટે મહિલા મંડળ દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે. છેલ્લા 10 વર્ષથી આ મંડળ દ્વારા થઇ રહેલી પ્રવૃત્તિ અન્યોને પ્રેરણા પૂરી પાડે છે. મોંઘવારીના માર વચ્ચે મીઠાઈઓ અને ફરસાણના ભાવમાં દર વર્ષે વધારો થતો આવે છે. ત્યારે કોઈ પણ જાતના વધારાના નફાની આશા રાખ્યા વિના, હોલસેલના ભાવમાં સામગ્રીની ખરીદીના કારણે બજાર કરતાં લગભગ 30 ટકા જેટલા ઓછી કિમતે લોકોને વેચાણ કરવામાં આવી રહ્યું છે. લક્ષ્મીનારાયણ અને સતપંથ સમાજના મહિલા મંડળના હોદ્દેદારો જાતે જ વસ્તુઓની ખરીદી કરીને છેલ્લા પાંચ વર્ષથી રમેશભાઇ રાજગોર પાસે વિવિધ ફરસાણ અને મિષ્ટન્ન બનાવે છે. કંદોઇ પણ ઓછું મહેનતાણું લઇને સેવામાં સહકાર આપે છે. ખરીદીથી માંડીને પેકિંગ સહિતની તમામ કામગીરી મહિલા મંડળના સભ્યો દ્વારા કરવામાં આવે છે તેમ જાણવા મળી આવ્યું હતું. તાલુકાના જે ગામોમાં પાટીદારોની વસતી વધારે છે, ત્યાં આવું આયોજન દરેક મોટા તહેવારો દરમિયાન કરવામાં આવતું હોય છે તેવી માહિતી પણ મળી આવી હતી. ત્યારે સમાજના મધ્યમ અને ગરીબ વર્ગને પોષાય તેવા ભાવ એમના દ્વારા રાખવામા આવ્યા છે.
-મળતી માહિતી