કચ્છમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા : 11 દર્દીઓ થયા સાજા

દિવાળીના તહેવારના ટાણે કચ્છમાં હાલમાં કોરોનાની ગતિ થોડી ધીમી પડી હોય તેમ નવા કેસનો આંક સતત બીજા દિવસે 13 પર જ સ્થિર રહેલો જણાયો હતો. જિલ્લાના કુલ પોઝિટિવ કેસનો આંકડો હવે 2901 પર પહોંચી ગયો છે , તો 11 દર્દીઓ રિકવર થતાં તેમને રજા આપવામાં આવી હતી. તો સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2581 પર પહોંચી છે. જિલ્લામથક ભુજમાં કોરોનાનો સંક્રમણ ઘટયો હોય એવું લાગે છે તો સાથે સાથે ગાંધીધામમાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરેલી માહિતી મુજબ ગાંધીધામ શહેરમાં 5 તો ભુજ શહેરમાં 2 જ કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં અબડાસા અને નખત્રાણામાં 2-2 તો ભચાઉ-મુંદરામાં 1-1 કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 203 થવા સાથે મૃતાંક 71 પર અટકેલો રહ્યો હતો. તો કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા 1028 થઇ છે. જિલ્લામથકમાં લાંબા સમય બાદ માત્ર બે જ કેસ નોંધાતાં તહેવાર સમયે નોંધપાત્ર રાહત મળી હતી. તો ગાંધીધામ શહેરમાં સતત બીજા દિવસે પાંચ કેસ સાથે આ ઔદ્યોગિક નગર કોરોના કેસના આંકમાં મોખરે રહ્યું હતું.એવી માહિતી મળી આવી હતી.