મુરૂ અને વર્માનગરના વૃદ્ધોનો ફાંસો ખાઈ અકળ આપઘાત
કચ્છમાં આપઘાત કે આત્મહત્યાના કેસોમાં વધારો થતો જાય છે ત્યારે જિલ્લાના નખત્રાણા તાલુકાના મુરૂ ગામે 70 વર્ષની ઉમરના નામોરી નેણશી મહેશ્વરીએ તથા લખપત તાલુકામાં વર્માનગર ખાતે 68 વર્ષની ઉમરના કરશનજી લાલજી રાઠોડે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ મોતને ભેટ્યા હતા. પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ” નાનકડા એવા મુરૂ ગામે 70 વર્ષની વયના નામોરીભાઇ મહેશ્વરી તેમના રહેણાંકના મકાનમાંથી છતના હુકમાં દોરડા દ્વારા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમને નખત્રાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં મૃતકના ભાઇ ચા આપવા માટે ગયા ત્યારે ઓરડો અંદરથી બંધ જોવા મળ્યો હતો. ગામના રહેવાસીઓને બોલાવી દરવાજો ખોલાતાં અંદરથી વૃદ્ધ ફાંસો ખાધેલા લટકતા મળ્યા હતા. મરનારે કયા કારણે આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.જયારે વર્માનગર સ્થિત એકતાનગરમાં કરશનજી લાલજી રાઠોડના અકળ આપઘાતનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસના કહેવા પ્રમાણે ” આ હતભાગી વૃદ્ધ ગઇકાલે ઢળતી બપોરે તેમના ઘરમાંથી ફાંસો ખાધેલા મળ્યા હતા. આ પછી તેમને દયાપર સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મૃત ઘોષિત કરાયા હતા. આ કિસ્સામાં પણ બનાવ પાછળના નિમિત્ત બનેલાં કારણો હજુ સપાટી પર આવ્યા ન હોવાનું પોલીસે ઉમેર્યું હતું. નારાયણ સરોવર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
-મળતી માહિતી