ગાંધીધામની બજારોમાં ગ્રાહકોની ચહલપહલ વધારે પરંતુ ખરીદી નામમાત્ર
કોરોનાના કારણે દુનિયા મંદીમાં ધકેલાઈ ગઈ છે ત્યારે, પહેલાં મંદી અને પછી કોરોના સંક્રમણને લઈને અહીંની મુખ્ય બજારમાં વેપારીઓ નાણાંની ખેંચ અનુભવતા હતા. દિવાળીના તહેવારોમાં રોનક આવશે તેવી આશા બંધાણી હતી, પણ આ આશા વેપારીઓને ખાસ ફળી નથી. હવે બે જ દિવસ બાકી છે, પરંતુ ઘરાક ઘણાં જ ઓછા પ્રમાણમાં હોવાની લાગણી પ્રસરી છે. આમ પણ, કોરોનાએ ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધારી દેતાં સ્થાનિક બજારના વેપારીઓ ગ્રાહકો માટે તરસતા હતા. આ વખતે ગાંધીધામની સોની બજારે તો ગ્રાહકોને ખેંચી લાવવા અભૂતપૂર્વ રોશનીઈ કરી દીધી છે. સાંજ પડે ને મુખ્ય બજારમાં દ્વિચક્રી વાહનો પણ નીકળી ન શકે એ હદે વાહનોની અવરજવર છેલ્લા ત્રણેક દિવસથી નજરે પડી રહી છે. નાની મોટી વસ્તુઓ, રંગોળીના રંગ, ફૂલ, સજાવટનાં સાધનો, સ્ટિકર્સ,મીઠાઈ, ફટાકડા વગેરેની અનેક લારી બજારમાં ખડકાઈ છે, પરંતુ જોઈએ તેવા પ્રમાણમાં ઘરાકી નજરે પડતી નથી. દુકાનદારો તો હજુય નવરા જ બેઠા હોવાની છાપ પડે છે. એકાદ ગ્રાહકો માંડ આવે છે, પરંતુ દિવાળીના તહેવારની તુલનામાં આ વર્ષે કંઈ જ ધંધો નથી તેવી લાગણી વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.’
– મળતી માહિતી