કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી.

વીજળી, પાણી, રોડ, પશુ, ખેતી અને આરોગ્ય બાબતે ચર્ચા વિચારણા.આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. અને નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલાના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની પ્રથમ તબક્કાની બેઠક યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત અબડાસા નવનિયુકત ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા અને જિલ્લા ન્યાય સમિતિ ચેરમેનશ્રી વસંતભાઇ વાઘેલાના અને રાપર ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન બચુભાઇ અરેઠીયાના પ્રજાલક્ષી વીજળી, પાણી, રોડ રસ્તા, પશુ ખેતી અને આરોગ્યના કુલ ૨૪ પ્રશ્નો, ફરિયાદ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલાએ જિલ્લાના સંકલિત કચેરીઓના સબંધિત અધિકારીઓનો રજુ કરાયેલા પ્રશ્નો અને મૌખિક રજુઆતો બાબતે જરૂરી સૂચનો અને અમલવારી માટે જણાવ્યું હતું.બેઠકમાં રાપર તાલુકાના ૬૬ મોડા કે.વી.સબસ્ટેશનની કામગીરી ૨ મહિનામાં પૂર્ણ કરી કાર્યરત કરવાની ચર્ચા કરાઇ હતી. અંજાર તાલુકાના રામપર, તુણા, વંડી, વીરા અને માથક ખાતે ટાવર ફાઉન્ડેશન કામગીરી ટુંક સમયમાં પૂર્ણ કરાતા ૬૬ કે.વી.સબસ્ટેશન ચાલુ કરાશે એમ ગેટકો બાંધકામ ઈજનરે દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. શ્રી સોઢાની રજુઆતો પૈકી શિયાળુ પાક માટે નર્મદાનું પાણી ચાલુ રાખવા અધિક નિવાસી કલેકટરશ્રી ઝાલા સબંધિતોને રજુઆત કરવા બાંહેધરી આપી હતી.અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ પણ ૩ રજુઆતો પૈકી શેખપીર-ભચાઉ રોડ રિપેરીંગ, ટોલનાકા ઈમરજન્સી એકઝીસ્ટ, નરેડીગ્રામના આવાસા સબંધે યોગ્ય નિરાકરણ માટે રજુઆત કરી હતી. જિલ્લા ન્યાય સમિતિના ચેરમેનશ્રી વસંતભાઇ વાઘેલા દ્વારા રજુ કરાયેલી આરોગ્ય સબંધી જી.કે.જનરલ હોસ્પિટલની, ભુજ-નખત્રાણા હાઈવે બમ્પની સમસ્યા, પવનચક્કી માલસામાન હેરાફેરી વાહનથી ઉદભવતા અકસ્માતો તેમજ ૨૩ પશુ દવાખાના કાર્યરત બાબતોની સબંધિતોને અમલવારી કરવા શ્રી ઝાલાએ સૂચના આપી હતી.શ્રી ઝાલાએ રાપર ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન અરેઠીયાના પડતર પ્રશ્નો અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી અધિકારીને ભચાઉ-રાપરના માર્ગો માટે તેમજ જી.કે.જનરલ હોસ્પિટલની અસુવિધા બાબતે સબંધિતો પાસેથી જવાબ મેળવેલા. કોવીડ-૧૯ ને મ્હાત કરવાની અમલવારી તેમજ આરોગ્ય સબંધિ બાબતો રજુ કરાતા ડિઝાસ્ટર મામલતદાર અને ભચાઉ પ્રાંતશ્રી જાડેજાએ જવાબો રજુ કર્યા હતા .જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા આ પ્રાથમિક પ્રશ્નો ફરિયાદ બાબતે સબંધિતોને તત્કાળ અમલવારી માટે જણાવ્યું હતું.
બેઠકમાં સબંધિત અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.