જામનગરની નજીક આવેલ હોટલના માલિકના પર્સમાંથી રૂા.22,000/-ની ચોરી કરનાર બન્ને ચોર પકડાયા.

જામનગર પાસે ખીજડીયા બાયપાસ નજીક આવેલ જય માતાજી હોટલના માલિકના પર્સમાંથી રૂા.22,000/-ની ચોરી થયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. તબીયત સારી ન હોવાથી હોટલનો માલિક સુઇ ગયા બાદ હોટલમાં જ કામ કરતા બે વ્યક્તિઓ ચોરી કરી ગયા હોવાની માહિતી સામે આવતા એલસીબી પોલીસે બન્ને શખ્સોને પકડી ગઈ હતી અને બન્ને શખ્સોના કબ્જામાંથી રૂા.20,600ની રોકડ સહિત રૂા.30,000/- નો મુદામાલ કબ્જે કર્યો છે. જામનગરમાં રામેશ્ર્વરનગર વિસ્તારમાં રહેતા નિલેષભાઇ નવનીતભાઇ ઘુમરા નામના પોતાની ખીજડીયા બાયપાસ પાસે આવેલ જય માતાજી હોટેલ પર હતા ત્યારે રાત્રે તબિયત નરમ ગરમ રહેતા તેઓ રેસ્ટ રૂમમાં સુઇ ગયા હતા. દિવસ દરમ્યાનની હોટલની કમાણીનો હિસાબ પોતાના પાકિટમાં રાખી તેઓ સુઇ ગયા બાદ સવારે જાગ્યા ત્યારે પાકિટમાંથી રૂા.22 હજારની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને નિલેષભાઇએ હોટલમાં કામ કરતા તમામ સ્ટાફને બોલાવી આ ચોરી અંગે પુછપરછ કરી હતી. પરંતુ કોઇ શખ્સે ચોરીની કબુલાત ન કરતા નિલેષભાઇએ આખરે આ બનાવ અંગે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની હોટલમાં કામ કરતા અર્જુન રાવ અને મનોજ રાવ નામના બે વ્યક્તિઓ સામે શંકાની સોઇ તાણવામાં આવી હતી. જેને લઇને એલસીબી પોલીસે આ બન્ને શખ્સોની અટકાયત કરી પુછપરછ કરી હતી. જેમાં બન્ને શખ્સોએ આ ચોરીની કબુલાત કરી હતી. પોલીસે બન્ને શખ્સોના કબ્જામાંથી રૂા.20,600ની રોકડ સહિત રૂા.30 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

-મળતી માહિતી