ભુજમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ,ત્રણ કરોડના ખર્ચે તૈયાર થશે રેનબસેરા.
શહેર સુધરાઇ દ્વારા વિવિધ વિકાસકામેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રાજેન્દ્રબાગ બ્યૂટિફિકેશનનું કામ, લેકવ્યૂ હોટલ સામે ઉમેદનગર માર્ગ પાસે ફૂટપાથનું કામ તથા ખારસરા ગ્રાઉન્ડ પાસે નિર્માણ પામનારા ઘર વિહોણા લોકો માટે આશ્રયસ્થાન (રેનબસેરા)ના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભુજ નગરપાલિકાના હાલના સત્તાધીશોની ટર્મ ટૂંક સમયમાં પૂરું થવા જઇ રહ્યું છે ત્યારે શહેરના વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમનો ધમધમાટ ફેલાયો છે, જે અંતર્ગત આજે રાજેન્દ્રબાગમાં 1,92,000ના ખર્ચે બ્યૂટિફિકેશનના કામનું , લેકવ્યૂ હોટલ સામે ઉમેદનગર માર્ગે 1,11,000ના ખર્ચે ફૂટપાથના કામનું તથા ઘર વિહોણા લોકો માટે ત્રણ કરોડના ખર્ચે તૈયાર થનારા રેનબસેરાના કામનું ધારાસભ્ય નીમાબેન આચાર્ય, સુધરાઇ અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણાના હસ્તે તેમજ નગરસેવકોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિતોનું સ્વાગત તથા પરિચય શ્રી રાણાએ જ્યારે ભુજવાસીઓને મળનારી વિવિધ સુવિધાઓ અંગેની માહિતી મુખ્ય અધિકારી નીતિન બોડાતે આપી હતી. ભુજમાં અત્યાર સુધી બનેલ મોટાભાગના ફૂટપાથ પર વિવિધ ધંધાર્થીઓ, લારી-ગલ્લાંવાળાઓએ તંબૂ બાંધ્યા છે.ત્યારે હવે નવી બનતી ફૂટપાથ લોકોને ચાલવા, બેસવા અનામત રહે તે જરૂરી હોવાનું જાગૃત નાગરિક દ્વારા જાણવા મળ્યું હતું. આ ઉપરાંત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, જ્યાં રેનબસેરા નિર્માણ પામવાનું છે તે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ એ જમીન નગરપાલિકાની હતી, ત્યારબાદ શ્રીસરકાર થઇ ગઇ હતી. આ અંગે કારોબારી ચેરમેન ભરત રાણા દ્વારા જાણવા મળ્યું હતું કે, 7/12માં હજુ નગરપાલિકાનું નામ જ બોલે છે. જો કે, આજના ખાતમુહૂર્ત કાર્યક્રમથી જાગૃત નાગરિકોમાં ચર્ચા જાગી હતી. આ કાર્યક્રમોમાં નગરસેવકો અજય ગઢવી, જગત વ્યાસ, ભૌમિક વછરાજાની, અશોક હાથી, સહદેવસિંહ જાડેજા, કાસમ કુંભાર, અશોક પટેલ, ગોદાવરીબેન ઠક્કર, રેશ્માબેન ઝવેરી, બિંદિયાબેન ઠક્કર, સુશીલાબેન આચાર્ય, જયંત ઠક્કર તેમજ શહેરીજનો હાજર રહ્યા હતા.
-મળતી માહિતી