ખંભાળીયાના એક લોહાણા યુવાન સાથે લગ્ન બાદ છેતરપીંડી કરનારી યુવતીની ધરપકડ.

ખંભાળિયાના એક લોહાણા યુવાન સાથે આજથી આશરે 11 વર્ષ પહેલા લગ્ન કર્યા બાદ છેલ્લા આઠેક વર્ષથી છૂટાછેડા લીધા વગર બાલાસિનોર ખાતે રહેતા બીજા યુવાન સાથે લગ્ન કરી, ઘરસંસાર માંડનાર યુવતીની એસ.ઓ.જી. પોલીસે ધરપકડ કરી હતી. અદાલતમાં આ વાત રજૂ કરાતાં આ યુવતીને જેલ હવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ ચકચારી ઘટનાની માહિતી મુજબ ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા હિતેશભાઈ ચંદુલાલ રાયચુરા નામના એક યુવાન સાથે આજથી આશરે 12 વર્ષ પહેલા વડોદરા ખાતે રહેતી કાજલબેન ચંદુલાલ બારૈયા નામની યુવતીના લગ્ન થયા હતા. ત્રણેક વર્ષના લગ્નગાળા બાદ વર્ષ 2012 ના સમયગાળામાં કાજલ હિતેશભાઈને મુકી, અને ગુમ થઈ ગયા હતા. આ અંગે તારીખ 12-7-2012 ના રોજ ખંભાળીયા પોલીસ મથકમાં કાજલ સામે આઈ.પી.સી. કલમ 406, 420, 494, 120 (બી) તથા 114 મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.છેલ્લા આઠેક વર્ષથી ગુમ થયેલ કાજલ અંગેની ભાળ મેળવવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાની સુચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગ દ્વારા આ અંગે જરૂરી તપાસ હાથ ધરવામાં આવ્યા હતા.આ દરમિયાન એસ.ઓ.જી. વિભાગના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ એમ. જાડેજા તથા કોન્સ્ટેબલ મહાવીરસિંહ બળવંતસિંહ મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાના બસ સ્ટેન્ડ નજીક આ યુવતી કાજલની મહિલા પોલીસ તથા પંચો રૂબરૂ અટકાયત કરવામાં આવી હતી. ખંભાળિયાના યુવાન સાથે લગ્ન કરી અને તેઓનો લગ્ન સંસાર નહીં ચલાવી અને ત્રીસ વર્ષીય કાજલે મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં રહેતા સાજીદ હુશેન મહંમદ હનીફ નામના મુસ્લિમ શેખ યુવાન સાથે લગ્ન કરી અને લગ્ન પછીનું તેણીનું નામ રૂકસાના કરાયાનું પણ સામે આવ્યું હતું, છેતરપિંડી પ્રકારના આ બનાવમાં એસ.ઓ.જી. પોલીસે કાજલ ઉર્ફે રૂકસાનાની કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરી, અદાલતમાં રજૂ કરાતા નામદાર અદાલતે તેને જેલ હવાલે કરવાનો આપ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પી.આઇ. જે.એમ. ચાવડા, પી.એસ.આઇ. એ.ડી. પરમાર, એએસઆઈ મહમદભાઈ બ્લોચ, હેડ કોન્સ્ટેબલ રાજભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ તથા મહાવીરસિંહ દ્વારા કરવામાં આવી હતી.

-મળતી માહિતી