કચ્છ,મોરબી,તાલાળાને ધ્રુજાવતા ભૂકંપની અનુભૂતિ: ત્રણ આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો.

અમુક સમયથી શાંત પડેલું સૌરાષ્ટ્ર-કચ્છનું પેટાળ ફરી ધણધણવા લાગ્યું છે. ગઈ મોડીરાત થી આજે વહેલી સવાર સુધીમાં મોરબી, તાલાળા અને કચ્છમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.આ ભૂકંપને કારણે કોઈ જાનહાની કે માલ-મિલકતને નુકસાન થયાની માહિતી મળી નથી.તાલાળામાં મોડીરાત્રે 1:12 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાતાં કડકડતી ઠંડીમાં મીઠી નિદ્રા માણી રહેલા લોકો ડરના લીધે ઘર બહાર દોડી આવ્યા હતા. આ પછી ફરી વહેલી સવારે 5:52 વાગ્યે 2.0ની તીવ્રતાનો આંચકો આવતાં લોકો રીતસરના ધ્રુજી ગયા હતા. તાલાળા ઉપરાંત મોરબીમાં સવારે 6:57 વાગ્યે 1.9ની તીવ્રતાનો આંચકોનો અનુભવ થયો હતો. તાલાળા-મોરબીની ધરતી ધ્રુજાવ્યા બાદ ભૂકંપે કચ્છના દુધઈનો વારો લીધો હતો. કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત વચ્ચે ભૂકંપ ઝોન-5માં આવતાં કચ્છના દુધઈ ગામમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા સાથે પૂર્વ કચ્છના સીમાવર્તી રાપરમાં વધુ બે આંચકાનો અનુભવ થયો હતો. મહા વિનાશક ધરતીકંપ આવ્યાને બે દાયકા જેટલો સમય વીતી ગયો હોવા છતાં કચ્છમાં નાના-મોટા ધરતીકંપના આંચકાનો દોર જારી રહ્યો છે. તે દરમિયાન ગુરૂવારે રાત્રે 11:07 મિનિટે ભચાઉ તાલુકાના દુધઈમાં પૂર્વ-દક્ષિણ-પૂર્વ દિશામાં 7 કિ.મી.ના અંતરે 3.2ની તીવ્રતા સાથે અનુભવ થયો હતો. ગુરૂવારે રાત્રે 2:53 વાગ્યે રાપરથી 25 કિ.મી. દૂર પશ્ર્ચિમ-દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં 1.8 અને શુક્રવારે સવારે 9:55 વાગ્યે રાપરથી 15 કિ.મી.ના અંતરે પશ્ર્ચિમ-દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં 2.0ની તીવ્રતા સાથે આંચકો અનુભવાયો હતો. છેલ્લા કેટલાક સમયથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂ-સ્તરીય હિલચાલ ચિંતાજનક રીતે વધી જતાં કોરોના કાળ વચ્ચે લોકો ભયભીન બની ગયા .

-મળતી માહિતી