સોનું 20% ઓછા ભાવે આપવાની જાળ બિછાવી લોકોને લૂંટયા.
માત્ર શહેરો જ નહીં, પણ સમગ્ર કચ્છ જિલ્લા સિવયા રાજય અને દેશભરના વિવિધ વિસ્તારમાં લોકોને પહેલા પણ અનેક વખત નાણાકીય રીતે શીશામાં ઉતારી ચૂકેલા ભુજના ધુતારાએ વધુ એકવાર તેની લૂંટવાનો સફળ દાવ અજમાવ્યો છે. દાણચોરીથી હસ્તગત કરાયેલું સોનું 20% ઓછા ભાવે આપવાની જાળ બિછાવી ભુજના હાજી વલીમામદ કકલ ઉર્ફે વલીયા લૂંટારાની ટોળીએ આ નવા કિસ્સામાં તેલંગાણા રાજયના હૈદરાબાદ શહેરના વિદ્યાર્થી અને તેના પિતરાઇ ભાઇને રૂા. 27,00,000ની રકમમાં નવડાવી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. હૈદરાબાદ ખાતે રહેતા અને અભ્યાસ કરતા આદેશ અનિલકુમાર જૈન નામના 26 વર્ષની વયના યુવાને આ ઘટના વિશે બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત મધ્યરાત્રિએ ભુજના હાજી વલીમામદ કકલ ઉર્ફે વલીયા ચીટર અને તેના સાગરિત અલ્તાફ જત સામે નાણાકીય વિશ્વાસઘાત અને ઉચાપત સહિતનો ગુનો દાખલ કરાવ્યો હતો. છેતરપિંડીના આ કેસની તપાસ પશ્ચિમ કચ્છ પોલીસની ગુનાશોધક શાખાના કાર્યકારી ઇન્સ્પેકટર એસ.જે. રાણાને સુપરત કરવાનો આદેશ કરાયો છે. પોલીસ સાધનોએ ફરિયાદને કેન્દ્રમાં રાખીને સમગ્ર ઠગાઇ ઘટનાની માહિતી આપતાં જાણવા મળ્યું હતું કે સુરત ખાતે હીરા ઘસવાના કાર્ય સાથે સંકળાયેલા ફરિયાદી આદર્શ જૈનને ગત ઓગસ્ટ મહિનામાં ઋષભ જૈનના નામે ફેસબુક ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જેનો સ્વીકાર કરાયા બાદ ઓનલાઇન ચેટિંગ દરમ્યાન દુબઇથી દાણચોરીથી લવાયેલું સોનું 20% ઓછા ભાવે આપવાનું હોવાની વાત કરી વિશ્વાસ ઊભો કરાયો હતો. આ પછી આદર્શે તેના પિતા અનિલભાઇ અને કાકા ભરતભાઇને વાત કરી હતી. આ બન્નેએ રૂા. 42,00,000માં એક કિલો સોનું ખરીદવાની તૈયારી બતાવી હતી.આ પછી શરૂ થયેલા ધૂતકળાના પરંપરાગત કારસામાં ભોગ બનારને ભુજ બોલાવી તેમની સાથે બેઠક કરી સોનાંના બિસ્કીટ ચેક કરવા આપી રૂા. 27,00,000 આરોપીઓએ હસ્તગત કર્યા હતા. રકમ મળ્યા બાદ કામનું બહાનું કરી ભાગી ગયા હતા તેવું ફરિયાદમાં લખાવાયું છે. તે દરમ્યાન ભોગ બનનારા તેમના ગામે પરત ગયા પછી તેમણે આરોપીઓ સાથે મોબાઇલ ઉપર વાતચીત ચાલુ રાખી રૂપિયા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન ગત તા. 12મીના આદર્શના કાકા ભરત જૈનનું અવસાન થયા બાદ કાકીના આગ્રહથી અંતે ભુજ આવીને આ ગુનો દાખલ કરાવાયો હતો. ભુજની આ ઠગ લૂંટારાઓએ અત્યાર સુધી દેશભરમાં નીત નવા પ્રકારે અનેક વખત લૂંટને અંજામ આપ્યા છે. આ ટોળી સામે આ સંબંધી અનેક ગુનાઓ પણ અત્યાર સુધી નોંધાયેલા છે.
-મળતી માહિતી