ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે :ગૌચર દબાણ હટાવવાની અરજીકર્તાનું પણ મકાન દબાણમાં.


લખપત તાલુકાની ઔદ્યોગિક વસાહત વર્માનગર, પાનધ્રોમાં ગૌચર દબાણ હટાવવા માટે જેણે રાજ્યના મુખ્યમંત્રી અને જિલ્લાના અધિકારીઓને લેખિત માંગ કરી હતી તે સોનલનગરના યુવાનને પણ દબાણ હટાવવા અંગે ગ્રામ પંચાયતે નોટિસ આપી છે. ગામના તલાટી સુનીલભાઈ વોરાના જણાવ્યા અનુસાર જેણે દબાણ હટાવવા અરજી કરી છે તેનું પોતાનું મકાન જ ગૌચરમાં દબાણમાં છે અને એથી તેને પણ આ અંગે નોટિસ પાઠવવામાં આવી છે. હાલ સુધી 140 જણને દબાણ અંગે નોટિસ ફટકારવામાં આવી છે. હવે આખું સોનલનગર ગામ જ ગૌચરમાં હોતાં તેને બે-ત્રણ દિવસમાં નોટિસો આપવામાં આવશે. પાનધ્રો-વર્માનગરના વેપારીઓએ કહ્યું હતું કે, હાલમાં કોરોનાની મહામારી ચાલુ છે અને રોજગારીના બીજા કોઈ જ વિકલ્પ નથી ત્યારે દબાણ હટાવવાની પ્રક્રિયા પડયા પર પાટુ સમાન છે. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા કોઈ સહાય જાહેર કવામાં આવે તે ખૂબ જ જરૂરી છે તેના બદલે રોજગારી છીનવી લેવામાં આવે છે. પાનધ્રો, વર્માનગરની દુકાનો ગૌચરમાં નથી તે સરકારી પડતર જમીનમાં છે તો ગૌચરના દબાણ સીમતળમાં છે તે હટાવવા જોઈએ તેના બદલે નાના ધંધાર્થીઓને નોટિસો અપાઈ છે. આ બાબતે સોનલનગરના રહેવાસીઓ અને દુકાનદારો હજુ આગળ રજૂઆત કરશે તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું. હાલમાં જ તાલુકા પંચાયતની ચૂંટણી પણ નજીક છે ત્યારે આ દબાણ હટાવનો પ્રશ્ન ષડયંત્રકારી હોવાનું પણ રાજકીય આગેવાનો દ્વારા જાણવા મળ્યું હતું.
-મળતી માહિતી