કાકાએ રિક્ષા ચાલક મિત્ર સાથે મળી ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું.

અમદાવાદ શહેરના ગ્રામ્યના હાથીજણ વિસ્તારમાં કાકાએ 7 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.આ અંગે મળતી માહિતી મુજબ શુક્રવારે વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતી 7 વર્ષની બાળકીને તેના સગા કાકા અને તેનો રિક્ષા ચાલક મિત્ર બપોરે ફરવાના બહાને ઘરેથી લઈ ગયા હતા. ત્યાર બાદમાં હાથીજણ વિસ્તારની અજાણી જગ્યાએ લઈ જઈ ફૂલ જેવી બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. હવસખોરોએ બાદમાં બાળકીના માથામાં બોથડ પદાર્થનો ઘા મારતા તે બેભાન થઈ ગઈ હતી. બાળકીનું મૃત્યુ થયાનું માની બન્ને વ્યક્તિઓ બાળકીને પરત ઘરે મુકવા ગયા હતા અને ઘરના કમ્પાઉન્ડમાં બાળકીને મૂકી દીધી હતી. આરોપીઓ બાળકીને મૂકીને ફરાર થવાની તૈયારીમાં હતા. ત્યાં જ તેની માતા જોઈ જતા બૂમબમ કરી મૂકી હતી. જેથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બન્ને વ્યક્તિઓને પકડી વટવા પોલીસને હવાલે કર્યા હતા. તો બીજી તરફ બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે આરોપીઓની આકરી પૂછપરછ કરતા દુષ્કર્મ આચર્યાનું સામે’આવ્યું હતું. ઘટના હાથીજણ વિસ્તારમાં બની હોવાથી વિવેકાનંદ પોલીસ સ્ટેશને બન્ને હવસખોર સામે ફરિયાદ નોંધી છે.

-મળતી માહિતી