કચ્છના ગુંદીયાળી ડી-સેલીનેશન પ્લાન્ટથી માંડવી-મુન્દ્રા-લખપત-અબડાસા-નખત્રાણા લાભાન્વિત

રાજય સરકારે રાજય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ તેમજ નર્મદાના એક માત્ર પીવાના પાણીના સોર્સ પર આધારિત રહેવાને બદલે તેને સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સોર્સ ઉભો કરવાના હેતુથી ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયાકાંઠે આવેલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને સ્થાનિક જળસલામતી પ્રજાને આપવા વિવિધ સ્થળોએ જરૂરિયાત મુજબ દરિયાના ખારા પાણીમાંથી પીવાના મીઠા પાણી બનાવવા માટેના ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાપવાનો અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે. દરિયાની સ્થાનિક અને વિપુલ જળરાશિ નિરંતર પ્રાપ્ય હોવાથી પીવાનો પાણીનો કાયમી સ્ત્રોત આનાથી ઉપલબ્ધ થશે.સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના દરિયા કિનારાના વિવિધ-૪ સ્થળોએ કુલ-૪ સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાનિક વિસ્તારોની જરૂરિયાતોને ધ્યાને લઇને સ્થાપવા નિર્ણય સરકારે કરેલો છે. તેમજ તેના અમલીકરણની કામગીરી પણ શરૂ કરવામાં આવેલ છે. જે પૈકી કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે ૧૦૦ એમએલટી (૧૦ કરોડ લીટર), દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામે ૭૦ એમએલટી (૭ કરોડ લીટર), ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ૭૦ એમએલટી (૭ કરોડ લીટર) અને ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ૩૦ એમએલટી (૩ કરોડ લીટર) ના સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટનો લાભ સ્થાનિકોને મળશે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે તા.૧૫/૧૨/૨૦૨૦ના રોજ ભૂમિપૂજન થનારા માંડવી-ગુંદીયાળી સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ માટે જરૂરી પર્યાવરણ મંજુરીઓ મેળવ્યા બાદ કાર્યરત કરાશે.સાપુરજી પલુનજી અને કંપની પ્રા.લિ. અને એકવાટેક સિસ્ટમ એશિયા પ્રાઈવેટ લિ.જોઇન્ટ વેન્ચર સાથેના Concession Agreement દ્વારા આ પ્લાન્ટ આકાર પામશે.ગુંદીયાળી ખાતે રોજનું ૧૦ કરોડ લીટર પીવાના પાણી દ્વારા ગુંદીયાળીથી હાલના પ્રવર્તમાન પાણી પુરવઠા ગ્રીડના નેટવર્ક સાથે જોડી કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, લખપત,અબડાસા તથા નખત્રાણા તાલુકાના શહેરી, ગ્રામ્ય તથા ઔધોગિક વિસ્તારોના લાખો લોકોને પાઇપલાઇન દ્વારા સી-વોટર ડી-સેલીનેટેડ પાણી આપી શકાશે અને જળસલામતીમાં વધારો કરી શકાશે. સાથો સાથ ઉપરવાસના તાલુકાઓ જેવાં કે, ભચાઉ, રાપર અને ગાંધીધામના વિસ્તારોમાં નર્મદાનું વધારાનું પાણી ફાળવી શકાશે.રાજય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સમાતંર પીવાના પાણીનો સોર્સ મળતા વધુમાં એકમાત્ર પીવાના પાણીના સોર્સ નર્મદાના પાણી પરનું અવલબંન ઘટશે અને કચ્છ દરિયા કિનારાના છેવાડાના ગામો શહેરોને પીવાના પાણી માટે સ્થાનિક સોર્સ આધારિત જળ સલામતી મળશે.