વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અંદાજે રૂ. ૧૩૦ કરોડના ખર્ચે સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટની વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાશે

રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત નિર્માણ પામનાર આ પ્લાન્ટથી સ્વયં સંચાલિત ડેરી પ્લાન્ટથી વધુ ૨ લાખ લિટરની ક્ષમતા વધશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે આગામી તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંધ લી. દ્વારા અંદાજીત રૂ. ૧૨૯.૨૨ કરોડના ખર્ચે સ્વયં સંચાલિત ડેરી પ્લાન્ટનું ડીજીટલ માધ્યમથી શિલાન્યાસ વિધિ કરાશે.

        આ અંગે વધુ વિગતો આપતાં સરહદ ડેરીના ચેરમેન અને જીએમએમએફસીના વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સહકારી ડેરીમાં દરરોજ ૫ લાખ લીટર દુધ ઉત્પાદન થઇ રહ્યું છે. જેને ધ્યાને લઇ સરહદ ડેરીની વધુ ૨ લાખ લીટરની ક્ષમતામાં વધારો થાય તે માટે પ્રોસેસિંગ પ્લાન્ટ પ્રાપ્ત થયો છે જેનો શિલાન્યાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

        ડેરીને આ પ્રોસેસીંગ પ્લાન્ટ મળતા મહત્તમ ઉત્પાદકતા સાથે કામ કરી શકાશે જેનો ફાયદો કચ્છના પશુપાલકોને દૂધના ઉંચા ભાવ મેળવવામાં મદદરૂપ થશે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ખેડૂતો તેમજ પશુપાલકોની આવક બમણી કરવાનો સંકલ્પ ખરા અર્થમાં સાકાર થશે.

        વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે રાજય સરકાર દ્વારા ૮.૩૭ કરોડની સહાયથી કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૩-૧૪માં પ્રથમ ૨ લાખ લીટરના પ્રોસેસીંગ ક્ષમતાનો કચ્છ ડેરી પ્લાન્ટ આપવામાં આવ્યો હતો. જેના દ્વારા અગાઉ કાચું દુધ અમુલ ડેરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવતું હતું અને પરત પ્રોસેસ કરી કચ્છમાં વહેચવામાં આવતું હતું. પરંતુ હવે આ પ્લાન્ટ થકી વધુ ૨ લાખ લીટર દુધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે તેમ શ્રી હુંબલે વધુમાં જણાવ્યું હતું.