કોરોના હારશે ગુજરાત જીતશે
શિક્ષણ વિભાગના હોમલર્નિંગ કાર્યક્રમ ચાલો ઘરે શીખીએ થીચાલો ઘરે શીખવીએ ની શિક્ષકની સફર


ભુજ, ગુરૂવારઃ
મસ્કાના મોતા સાહેબ ધો ૧ થી ૮ના વિધાર્થીઓને માંડવી તાલુકામાં ઘેર જઇ આપે છે ડીઝીટલ શિક્ષણ ઈરાદો મક્કમ હોય અને નીતિ નેક હોય તો હજારો મુસીબતોમાં ઉકેલના લાખ રસ્તા મળી રહે છે. વર્ષ ૨૦૨૦-૨૧માં વૈશ્વિક મહામારી નોવેલ વાયરસ કોરોના કોવીડ-૧૯એ પોતાના સંક્રમણથી સમગ્ર દુનિયાને સંકજામાં લીધું. ના ઝુકના હૈ ના રૂકના હૈ ના અભિગમને લઇ કોરોનાથી કાંપેલી પ્રજાને અનેકવિધ સહાય અને યોજનાઓ થકી રાજય સરકાર સ્વસ્થ અને આત્મનિર્ભર બનાવી રહી છે. જે પૈકી શિક્ષણમાં બાળકોના ભણતરનો ભોગ ના લેવાય તે માટે રાજય સરકારે ઈ-કન્ટેન્ટ સોફટવેરના માધ્યમથી ધોરણ ૧ થી ૮ ના તમામ વિષયો હોમલર્નિગ કાર્યક્રમથી શીખવવા શરૂ કર્યા. ૧૫ જુન-૨૦૨૦થી ડી.ડી.ગિરનાર પર ચાલો ઘરે શીખીએ હેઠળ પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણ કાર્યનો ટીવી અને ઈ-નેટ પર અભ્યાસ શરૂ કરાયો. મોબાઇલ અને ટીવી પર બાળકો ઈ-લર્નિગથી હોંશભેર ભણી રહયા છે.
સરકારનું આ સરાહનીય પગલું વાલીઓમાં આવકારદાયક બન્યું છે. શાળાની ખોટ અનુભવતા બાળકો, વિધાર્થીઓએ શિક્ષણની નવી રીત સ્વીકારી લીધી છે અને શિક્ષણ જગતે ઉત્સાહભેર અમલી પણ કરી છે. કોરોના સામે અને સાથે જીવતાં લોકોને વરસાદનો પણ આ
વર્ષે સારો એવો ધમાકેદાર અનુભવ રહયો બદલાતા વાતાવરણ અને મોસમના મિજાજના પગલે વરસાદ, વીજળી, નેટવર્ક અને એન્ડ્રોઈડ મોબાઇલ ના હોય ત્યારે વિધાર્થીઓનું શું ? તેમના શિક્ષણનું શું ?
વિચારશીલ વાલી અને હિત ચિંતક શિક્ષકની જેમ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા ગામના વાતની અને બાગ ગામની શ્રી હુંદરાઇબાગ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષકશ્રી દિપકભાઇ.જે.મોતાએ પણ આ બાબતોનો જવાબ શોધ્યો. એમના શબ્દોમાં જ જોઇએ તો ‘‘ચોમાસામાં લાઇટ નો પ્રોબ્લેમ… વર્ચ્યુઅલ કલાસ ઓનલાઇન કલાસમાં નેટ નો પ્રોબ્લેમ. ઘણાં વાલી પાસે સ્માર્ટફોન નથી તો એમના બાળકોને વોટસએપથી લેશનના આપી શકાય ?’’
અને ૪ સપ્ટેમ્બર-૨૦૨૦થી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.પી.પ્રજાપતિ દ્વારા લીલીઝંડી અપાયેલા શિક્ષણરથ આજે સમગ્ર માંડવી તાલુકાના ૧ થી ૮ ધોરણના વિધાર્થીઓને કોરોના વાયરસ કોવીડ-૧૯ ની ગાઇડલાઇન મુજબ ભણાવી રહયો છે.
દિપકભાઇ મોતાએ પોતાની અલ્ટ્રો ગાડીમાં ૪૨ ઈંચનું એલસીડી ટીવી લગાવ્યું છે. રાજય સરકારના ઈ-કન્ટેન્ટ સોફટવેરને પોતાના લેપટોપમાં લઇ એલસીડી યુનિટને કનેકટ કરી તેઓ વિધાર્થીઓને તેમના ધોરણ મુજબ અભ્યાસ કરાવે છે. બળદગાડી બનાવતા અશિક્ષિત પિતા જેઠાલાલ અને ત્રણ ચોપડી ભણેલા માતા પ્રેમિલાબેનનો આ મોતા પરિવાર શિક્ષણરથ પ્રકલ્પના દાતા છે અને છેલ્લા બે વર્ષથી જરૂરતમંદ વિધાર્થીઓને જરૂરી શૈક્ષણિક સગવડો આપી રહયા છે. મોતા પરિવારનો શિક્ષણયજ્ઞમાં મહત્વનું પરિબળ છે શિક્ષણ પ્રત્યેનો આદર પ્રેમ………
દિપકભાઇ મોતા દરરોજ પોતાની સ્કુલના બાળકો માટે સવારે ૯ થી ૧૨ નો સમય ફાળવે છે અને સાંજે ૩ થી ૬ વાગ્યાનો સમય માંડવી તાલુકાની એ સ્કુલના બાળકોનો જયાં એમની સહાય માંગવામાં આવે છે. એક નાનકડા પણ ઉમદા વિચારથી આરંભ આ શિક્ષણયજ્ઞમાં મોતા સાહેબના મસ્કા ગામના શિક્ષિકા પત્નિ પણ જરૂર પડે જોડાય છે. અન્ય ગામોમાં જયાં આ ડીઝીટલ શિક્ષણરથની જરૂર છે તે ગામના શિક્ષકો પણ જોડાય છે.
દિપકભાઇના આ જ્ઞાન યજ્ઞમાં મસ્કા પ્રાથમિક શાળાના ભરતભાઇ મહેતા, દુર્ગાપુર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રતાપભાઇ ગુંસાઇ અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કમલેશભાઇ કટારીયાએ પણ સહકાર આપ્યો છે તો એક ખાનગી કોમ્પ્યુટર સર્વિસના વિમલભાઇ મોતા શિક્ષણરથની ટેકનિકલ મદદ માટે હરહંમેશ હાજર રહે છે.
શાળા બંધ છે શિક્ષણ નહિં બાળકો શાળાએ ના જઇશ કે પણ શિક્ષણ તો બાળકના ઘેર જઇ શકે આ આદર્શ વિચાર સાથે કોવીડ-૧૯ની મહામારીના સમયમાં બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ મળી રહે તે માટે હરતી ફરતી શાળાનો એક નવતર પ્રયાસ હોમ લર્નિગનો પ્રોજેકટ પ્રારંભ કરનાર શિક્ષક દિપકભાઇ મોતા યુટયુબના માધ્યમથી પણ શિક્ષણ આપી રહયા છે. તા.માંડવી કચ્છના આ કચ્છીમાડુનો નંબર છે ૯૮૭૯૩૧૦૨૧૪. કોરોના હારશે ગુજરાત જીતશે નો મંત્ર આવા શિક્ષકોના પ્રયાસો પણ સાર્થક કરશે.