આરટીઓ એજન્ટની હત્યામાં આરોપીઓને રીકન્સ્ટ્રકશન કરાવાયું

ભુજ આરટીઓ કચેરીમાંથી એજન્ટનું પ્રેમપ્રકરણમાં અપહરણ કરી ભચાઉના કુંજીસર પાસે હત્યા કરી ફેંકી દેવાના પ્રકરણમાં બી ડિવિઝન પોલીસે બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા છ દિવસના રીમાન્ડ મંજુર થયા છે. શનિવારે પોલીસે બંને આરોપીને ભચાઉ લઇ થઇ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

રાપરના સઇ ગામે રહેતા પચાણભાઇ જામાભાઇ રબારીએ ફરીયાદ નોંધાવી હતી કે તેના પુત્ર જીવણ રબારીનું અપહરણ કરી હત્યા કરી ભચાઉના કુંજીસર ગામની સીમમાં તળાવ પાછળ ફેંકી દેવાયો હતો. કાના સાજણ રબારી, પ્રવીણ જગાભાઇ રબારી, દેવા કરશન રબારી અને શંકર ઉર્ફે ચકો બધાભાઇ સામે ફોજદારી દાખલ કરાવી હતી. મૃતકનું કાના સાજણ રબારીની પત્ની સાથે પ્રેમસબંધ હોવાથી તેના મનદુ:ખે ચારેય જણે ભુજથી અપહરણ કરી હત્યા કરી મોત નિપજાવ્યું હતું.

પોલીસે કાનજી રબારી અને પ્રવીણ ઉર્ફે પાલા રબારીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા છ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. શનિવારે પોલીસે બંને આરોપીને ભચાઉના કુંજીસર પાસે લઇ જઇ રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ. બી. વસાવાએ જણાવ્યું હતું કે, બંનેની ધરપકડ થયા બાદ કોર્ટમાં રજુ કરાતા છ દિવસના રીમાન્ડ મળ્યા છે, શનિવારે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવાયું હતું, તો હત્યામાં સંડોવાયેલા અન્ય બે આરોપીની અટકાયત કરવા માટે ચક્રોગતીમાન કરાયા છે.