નલિયામાં પારો 4 ડિગ્રી ઉંચકાઇને 12.1 થયો

14 ડિસેમ્બરથી ન્યૂનતમ એક આંક સાથે ઠરી રહેલાં નલિયામાં 12 દિવસ બાદ પારો એક ઝાટકે 4 ડિગ્રી ઉંચકાઇને 12.1 થયો હતો તેમ છતાં આ શીત નગર રાજ્યમાં અવ્વલ રહ્યું હતું. કચ્છના અન્ય વિસ્તારોમાં પણ નીચું તાપમાન એકથી દોઢ ડિગ્રી ઉંચકાયું હતું. ભુજમાં 13.2, કંડલા 13.6, કંડલા (એ)માં 13.6 નોંધાતાં ઠંડીમાં આંશિક રાહત અનુભવાઇ હતી.

ચાલુ માસમાં છેલ્લા દાયકાનો વિક્રમજનક ઠાર અનુભવનારા નલિયામાં ઠંડી જાણે જવાનું નામ ન લેતી હોય તેમ છેલ્લા 12 દિવસથી સતત એક આંકમાં નોંધાતી હતી પણ શનિવારે પવનની ઝડપ ઓછી થવાની સાથે ભેજનું પ્રમાણ વધતાં તેમજ પારો 4 ડિગ્રી જેટલો ઉંચકાઇ જતાં નગરજનોએ ટાઢમાં રાહત અનુભવી હતી. જો કે, રાજ્યની રેસમાં સતત આગળ રહેલું નલિયા 12.1 ડિગ્રીએ અવ્વલ જ રહ્યું હતું.

ભુજમાં મહત્તમ 29.8 ડિગ્રી રહેતાં દિવસે શિયાળો ગાયબ જણાયો હતો જ્યારે 13.2 ડિગ્રી સાથે રાત્રિ ઠરી હતી. ગાંધીધામ, આદિપુર અને અંજાર સહિતના વિસ્તારને સાંકળતા કંડલા એરપોર્ટ મથકે દોઢ આંક જેટલો પારો ઉંચકાઇને 13.6 ડિગ્રી થતાં ઠંડીમાં આંશિક રાહત રહી હતી. કંડલા પોર્ટ પર પણ 13.6 ડિગ્રી નોંધાયું હતું. બે દિવસ બાદ ફરી ઠંડીનું મોજું ફરી વળવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.